અમરેલી: અમરેલી પાલિકામાં ચૂંટણી સમયે 44માંથી 34 બેઠકો મેળવવા છતાં પણ કોંગ્રેસના સભ્યોમાં આંતરીક વિખવાદના કારણે બળવો થયા બાદ શુક્રવારે પ્રમુખ સહિત 10 સભ્યો કોંગ્રેસમાં જોડાતાં હવે પાલિકામાં પક્ષ પલટો થયો છે અને વિધિવત રીતે ભાજપનું શાસન સ્થપાયું છે. કોંગ્રેસ લઘુમતીમાં મૂકાઈ ગઈ છે.


અમરેલી પાલિકામાં ચૂંટણી સમયે પાટીદાર અનામત આંદોલનની અસરના કારણે ભાજપના સુપડા સાફ થઈ ગયાં હતાં અને લોકોએ સત્તાનો કળશ કોંગ્રેસ પર ઢોળ્યો હતો. 44માંથી 34 બેઠકો કોંગ્રેસને મળતા સત્તાનું સુકાન સંભાળ્યું હતું. અઢી વર્ષ સુધી અલકાબેન ગોંડલીયાએ પ્રમુખ તરીકે શાસન સંભાળ્યા બાદ નવા પ્રમુખની ચૂંટણી સમયે જયંતીભાઈ રાણવા પ્રમુખ પદના પ્રબળ દાવેદાર હોવા છતાં કોંગ્રેસ દ્વારા તેમના બદલે વિપક્ષી નેતા પરેશ ધાનાણીના ઈશારે તેના કૌટુંબિક ભાઈ સંદિપ ધાનાણીના નામનો પ્રમુખ તરીકેનો મેન્ડેટ અપાયો હતો.

જેના કારણે કોંગ્રેસના 15 સભ્યોએ બળવો કરીને મેન્ડેટ વિરુદ્ધ મતદાન કર્યું હતું. જે તમામને સભ્યનું સભ્યપદ રદ્દ કરવા માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જે તે સમયે 15 સભ્યોનો બળવો અને અન્ય ભાજપ તથા અપક્ષના 10 સભ્યોએ બળવાખોર જૂથને ટેકો આપતા કોંગ્રેસ લઘુમતીમાં મૂકાઈ ગઈ હતી.

અમરેલીમાં યોજાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમમાં પાલિકાના પ્રમુખ જયંતીભાઈ રાણવા સહિત 10 સભ્યોને ભાજપનો ખેસ પહેરાવીને સન્માન કરાયું હતું. જોડાયેલા સભ્યો પૈકી 7 કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યાં છે અને ત્રણ અપક્ષ સભ્યો પણ ભાજપમાં જોડાઈ ગયા છે. જેથી અમરેલી પાલિકામાં સત્તા પલટો થયો છે અને વિધિવત રીતે ભાજપનું શાસન સ્થપાયું છે.