નવી દિલ્હીઃ પુત્ર સની દેઓલ માટે પ્રચાર કરવા ગુરુદાસપુર પહોંચેલા ધર્મેન્દ્રએ એક ખાસ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા, તેમને કહ્યું કે, અમે નેતા નહીં સેવક બનીને બધાની વચ્ચે સેવા કરવા આવ્યા છીએ. જો મને પહેલા ખબર હોત કે સનીને બલરામ જાખડના પુત્ર સુનીલ જાખડ સામે ચૂંટણી લડવાની છે, તો હું સનીને ચૂંટણી લડવાની ના પાડી દેતો.

મીડિયા સાથે વાત કરતાં ધર્મેન્દ્રએ કહ્યું કે, હું અહીં ભાષણ આપવા નથી આવ્યો, પણ લોકોના દુઃખને સમજવા આવ્યો છું, જેથી તેને દુર કરી શકાય. મેં બીકાનેરમાં પાંચ વર્ષમાં એવું કામ કરીને બતાવ્યુ છે જે છેલ્લા 50 વર્ષમાં નથી થયું. બીકાનેર પહેલા બીજેપીએ મને પટિયાલાથી ચૂંટણી લડવાની ઓફર કરી હતી. પણ મને ખબર પડી કે તે બેઠક પરથી કેપ્ટન અમરિન્દર સિંહની પત્ની પરનીત કૌર લડી રહી છે, હું તેમનું બહુ સન્માન કરુ છુ, તે મારી બહેન જેવી છે. એટલા માટે મે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી.



ધર્મેન્દ્રએ કહ્યું કે, બલરામ જાખડ મારા મિત્ર અને ભાઇ જેવા છે. એટલા માટે હું સનીને તેમના પુત્રની વિરુદ્ધ ચૂંટણી લડવાની ના પાડી દેતો, પણ મને ખબર ન હતી આ વાતની.

ઉલ્લેખનીય છે કે, દિગ્ગજ કોંગ્રેસ નેતા બલરામ જાખડ અભિનેતા ધર્મેન્દ્રના ખુબ સારા મિત્ર છે. વર્ષ 1991માં બલરામ જાખડે સીકર (રાજસ્થાન)થી ચૂંટણી લડી રહ્યાં હતા ત્યારે ધર્મેન્દ્રએ તેમનો પ્રચાર કર્યો હતો.