એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 May 2019 08:35 AM (IST)
રામપુરથી ભાજપ ઉમેદવાર જયાપ્રદાની વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ ચૂંટણી પંચ દ્વારા 72 કલાકનો પ્રતિબંધ ભોગવી ચૂકેલા આઝમ ખાન પર ચૂંટણી પંચે ચૂંટણી અધિકારીઓને ધમકાવવા, સાંપ્રદાયિક ટિપ્પણીઓ કરવા માટે 48 કલાકનો ફરી નવો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના કદાવર નેતા અને રામપુરથી એસપી-બીએસપી ગઠબંધનના ઉમેદવાર આઝમ ખાન હાલ તેમના વિવાદિત નિવેદનોના કારણે બહુ જ ચર્ચામાં રહે છે. રામપુરથી ભાજપ ઉમેદવાર જયાપ્રદાની વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ ચૂંટણી પંચ દ્વારા 72 કલાકનો પ્રતિબંધ ભોગવી ચૂકેલા આઝમ ખાન પર ચૂંટણી પંચે ચૂંટણી અધિકારીઓને ધમકાવવા, સાંપ્રદાયિક ટિપ્પણીઓ કરવા માટે 48 કલાકનો ફરી નવો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આઝમ ખાન પર આ બેન બુધવાર સવારે 6 વાગ્યાથી 48 કલાક માટે અમલમાં રહેશે. આ દરમિયાન તેઓ કોઈ પણ જનસભા, રોડ શો, રેલી અથવા ભાષણ નહીં આપી શકે. આ ઉપરાંત તેઓ કોઈ ઈન્ટરવ્યૂ અથવા રાજકીય નિવેદન પણ નહીં આપી શકે. ઉલ્લેખનીય છે કે પંચે આ મહિને આઝમ ખાન પર બીજી વાર આ પ્રકારનો પ્રતિબંધ લગાવી દીધો છે. આઝમ ખાને ગત સપ્તાહે રામપુરમાં આયોજિત આંબેડકર જયંતી સમારોહમાં કહ્યું હતું કે, અહીં જિલ્લા પ્રશાસને લોકોને વોટ ન આપવાની ચમકી આપી છે. આ સાથે તેમના પર ચૂંટણી અધિકારીઓને ધમકાવવા અને સાંપ્રદાયિક ટિપ્પણીઓ કરવાનો આરોપ લાગ્યો હતો. તેમના આ નિવેદન પર કાર્યવાહી કરતા ચૂંટણી પંચે આંચાર સંહિતાના ઉલ્લંઘન માન્યું છે.