કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વિવાદાસ્પદ નિવેદન કરતાં કહ્યું છે કે, મને મોદીને થપ્પડ મારવાની ઈચ્છા થઈ ગઈ છે. મેં આવા જૂઠ્ઠા વડાપ્રધાન ક્યાંય નથી જોયા. હવે ચૂંટણી આવી છે તો રામ નામ જપવાનું શરૂ કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરતાં મમતાએ કહ્યું કે, પાંચ વર્ષ પહેલાં તેમણે અચ્છે દિનની વાત કરી હતી પરંતુ પછી નોટબંધી કરી દીધી હતી. તેઓ બંધારણ પણ બદલી દેશે. મમતાએ કહ્યું, હું ભાજપની નારેબાજીમાં વિશ્વાસ નથી રાખતી.



મમતાએ કહ્યું કે, પૈસા મારા માટે મહત્વના નથી પણ જ્યારે તેઓ પશ્ચિમ બંગાળ આવીને કહે કે, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) લૂંટારાઓથી ભરેલી છે ત્યારે મને તેમને થપ્પડ મારવાનું મન થઈ જાય છે. હું મોદીથી નથી ડરતી. કારણ કે, હું આ પ્રકારનું જ જીવન જીવુ છું. મોદી માત્ર રમખાણો ફેલાવાનો પ્રયત્ન કરી રહ્યા છે



પરુલિયામાં પોતાની સરકારની સફળતાઓ ગણાવતા મમતાએ કહ્યું કે, શું મોદી પરુલિયાના આદિવાસી ગામડાઓ વિશે જાણે છે? અત્યાર સુધી અહીં 300 ITI કોલેજ બનાવી દીધી છે. દિલ્હીમાં મોદી 5 વર્ષથી છે. મેં ખૂબ સંઘર્ષ કર્યો છે. હું મારી જાતને વેચીને રાજકારણ નથી કરતી.

મમતાએ વધુમાં કહ્યું કે, મોદી જેવા જૂઠ્ઠા વ્યક્તિ મેં આજ સુધી નથી જોયા. આસામમાં 22 લાખ બંગાળીઓના નામ કાપી નાખ્યા. મહારાષ્ટ્ર અને યુપીથી બિહારીઓને ભગાડી દીધા. હવે તેઓ બંગાળમાં પણ એનઆરસીની વાત કરે છે. મમતાએ કહ્યું, પ્રાકૃતિક તકલીફ અને પૂર સમયે મોદી બંગાળ નથી આવતા.

New Delhi: Prime Minister Narendra Modi addresses the 'Traders Sammelan' at Talkatora Stadium, in New Delhi, Friday, April 19, 2019. (PTI Photo/Kamal Kishore) (PTI4_19_2019_000148B)

મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં મમતાએ કહ્યું કે, 12,000 ખેડૂત આત્મહત્યા કરી ચૂક્યા છે. યુપીનો ચામડા વેપાર બંગાળમાં આવ્યો છે. ગેસ અને કેબલ ટીવીના ભાવમાં વધારો થયો છે. તેઓ માત્ર રમખાણો ફેલાવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને લોકોના માત્ર ધર્મના નામે ભાગલા પાડી રહ્યા છે.