હાલમાં જ બિહારના કટીદાહમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. જેના પર શનિવારે ચૂંટણી પંચે નોંધ લઇને નોટિસ ફટકારી છે. ચૂંટણી પંચે સિદ્ધુને 24 કલાકમાં જવાબ આપવાનો આદેશ કર્યો છે.

સિદ્ધુએ મુસ્લિમ સમુદાયને એકજૂટ થઇ કોંગ્રેસને મત આપવાની વાત કરી હતી. જેના બાદ સિદ્ધુ પર આચાર સંહિતા ઉલ્લંઘનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. કટીહારના બારસોઇ પોલીસ સ્ટેશનમાં મેજિસ્ટ્રેટ રાજીવ રંજનના નિવેદન પર કેસ દાખલ કરવામાં આવ્યો છે.

કટીહારમાં સિદ્ધુએ કહ્યું હતું કે, મુસ્લિમ સમુદાય અહીં અલ્પસંખ્યક થઇને પણ બહુસંખ્યક છો, તમે જો એકત્રિત થશો તો તમારા ઉમેદવાર તારીક અનવરને કોઇ હરાવી શકશે નહીં.

સિદ્ધુ કટિહાર સંસદીય વિસ્તારના બલરામપુર વિધાનસભાના બારસોઈ પ્રખંડના ઉચ્ચ વિદ્યાલયના મેદાનમાં યોજાયેલી ચૂંટણી સભાને સંબોધીત કરી રહ્યાં હતા. સિદ્ધુએ ભાષણ દરમિયાન કહ્યું હતું કે, તમારી આઝાદી અહીં 64 ટકા છે. અહીંના મુસલમાનો અમારી પાઘડી છે. જો તમને કોઈ તકલીફ હોય તો મને યાદ કરવો. હું પંજાબમાં પણ તમને સાથ આપીશ.