Adhir Ranjan Chaudhary Viral Video Fact Check: લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓને લઈને તમામ રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન, પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ કથિત રીતે લોકોને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને બદલે બીજેપીને વોટ કરવાની અપીલ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ભ્રામક દાવા કરવામાં આવી રહ્યા છે
આ વાયરલ પોસ્ટ 2 મેના રોજ Gopesh Poshaks A Vasudev નામના ફેસબુક યુઝરે શેર કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું, "કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી કહે છે કે ટીએમસીને બદલે બીજેપીને વોટ આપવો વધુ સારું છે... પશ્ચિમ બંગાળમાં જલ્દી જ ભાજપને મોટી જીત મળવાની છે."
આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઘણા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. @VIKRAMPRATAPSIN નામના એકાઉન્ટે પણ X પર આ વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, TMCને બદલે બીજેપીને વોટ આપવો વધુ સારું છે. અધીર રંજન ચૌધરી ભાજપમાં જોડાવા માટે તૈયાર છે.
દાવાઓ તપાસમાં ગેરમાર્ગે દોરનારા જણાયા
વિશ્વાસ ન્યૂઝે આ વાયરલ વીડિયોની તપાસ કરતાં આ દાવો ભ્રામક હોવાનું જણાયું હતું. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ એક ચૂંટણી રેલી યોજી હતી, જ્યાં તેઓ ભાજપની તુલનામાં ટીએમસીની ખામીઓ ગણાવી રહ્યા હતા અને તે દરમિયાન તેમણે આ ટિપ્પણી કરી હતી. આ માત્ર 9 સેકન્ડનો વિડિયો તેમના સમગ્ર ભાષણમાંથી કાપીને ભ્રમ ફેલાવવાના હેતુથી શેર કરવામાં આવ્યો હતો. તેમના સમગ્ર ભાષણમાં તેમણે કોંગ્રેસ માટે વોટ માંગ્યા હતા.
વાયરલ વીડિયોની તપાસ દરમિયાન હકીકત સામે આવી છે કે આ વીડિયો પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદનો છે. અધીર રંજન ચૌધરીના આ ભાષણનો સંપૂર્ણ વિડિયો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પશ્ચિમ બંગાળના સત્તાવાર ફેસબુક હેન્ડલ પર ઉપલબ્ધ છે. આ મુજબ અધીર રંજન ચૌધરી જંગીપુર લોકસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર મુર્તઝા હુસૈન માટે પ્રચાર કરવા આવ્યા હતા.
આ વીડિયોમાં 25:08 મિનિટે અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, "મોદી દરેક વીતતા દિવસ સાથે નિસ્તેજ થઈ ગયા છે. તેમની પાસે હવે તે કરિશ્મા નથી રહ્યો જે પહેલા તેઓ ધરાવતા હતા. શરૂઆતમાં મોદીએ દાવો કર્યો હતો કે તેઓ 400થી વધુ સીટો લાવશે. તેઓ હવે 400ને પાર કરી રહ્યાં નથી.
આ વીડિયોના છેલ્લામાં તેમણે કહ્યું હતું કે, "જો બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરી મોરચા સફળ નહીં થાય, તો તે ભારતના ધર્મનિરપેક્ષતા પર ફટકો પડશે. તૃણમૂલને મત આપવાને બદલે તમે ભાજપને મત આપો તો સારું રહેશે પરંતુ તૃણમૂલ કે ભાજપને મત ન આપો.
આ રીયલ વિડીયો છે
આ વીડિયોની તપાસ દરમિયાન પશ્ચિમ બંગાળ કોંગ્રેસની એક પ્રેસ રિલીઝ પણ મળી હતી, જેમાં તેઓએ સ્પષ્ટતા કરી હતી કે અધીર રંજન ચૌધરીના ભાષણને ખોટી રીતે વિકૃત કરીને વાયરલ કરવામાં આવી રહ્યું છે. પાર્ટીએ કહ્યું કે તેણે આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.