UP Election Result Live: ઉત્તર પ્રદેશમાં ભારે બહુમતી સાથે ભાજપ ફરીથી સરકાર બનાવવા જઇ રહ્યું છે. એવામાં લખનઉમાં ભાજપના કાર્યાલય પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહોંચ્યા હતા અને તેઓએ કાર્યકર્તાઓને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. યોગી આદિત્યનાથે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપ ચાર રાજ્યોમાં પ્રચંડ બહુમત સાથે સરકાર બનાવવા જઇ રહ્યું છે. તેમણે કહ્યું કે હું આ અવસર પર વડાપ્રધાન મોદી, જેપી નડ્ડા સાથે ભાજપના તમામ નેતાઓનો આભાર માનું છું.






લખનઉમાં ભાજપ પ્રદેશ કાર્યાલયમાં યોગી આદિત્યનાથે ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદ, સુરક્ષા અને વિકાસના મુદ્દા પર જનતાએ જીતના આશીર્વાદ આપ્યા છે. આ જીત એક-એક કાર્યકર્તાની જીત છે. આપણે ચાર રાજ્યોમાં સરકાર બનાવવા જઇ રહ્યા છીએ.






સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, "ભારતીય જનતા પાર્ટીને દેશના સૌથી મોટા રાજ્યમાં પ્રચંડ બહુમતી મળી છે. આ પ્રચંડ બહુમતી રાષ્ટ્રવાદ, વિકાસ અને સુશાસનના ભાજપના મોડલ માટે યુપીના 25 કરોડ લોકોના આશીર્વાદ છે. આ આશીર્વાદ સ્વીકારી રહ્યા છીએ. સામાન્ય લોકોની આકાંક્ષાઓને અનુરૂપ, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસના આ મંત્રને અપનાવીને દરેકના પ્રયાસોને સતત આગળ ધપાવવા પડશે.






યોગી આદિત્યનાથે કહ્યું કે આપણે ઉત્તર પ્રદેશમાં બહુમતી સાથે સરકાર બનાવવા જઇ રહ્યા છીએ. આ જીત માટે કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ જીત આપણને  જવાબદારીનો સંકેત આપે છે. મજબૂતી સાથે આપણે સામાન્ય લોકોની આશાઓના અનુરૂપ એકવાર ફરી પોતાને સાબિત કરવા પડશે.


તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં દેશની સૌથી વધુ વસ્તી છે. એટલા માટે અહી દેશ અને દુનિયાની નજરો હતી. એવામાં નિષાદ પાર્ટી અને અપના દળ (એસ)સાથે આપણે પ્રચંડ બહુમત સાથે સત્તામાં વાપસી કરી છે.