અમદાવાદઃ ભાજપ નેતા અને પૂર્વ પાસ કન્વિનર રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દીધા બાદ ફરી રાજકારણમાં ઝંપલાવ્યું છે. તેમણે સોમવારે પોરબંદર લોકસભા બેઠક પરથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. રેશ્મા પટેલે ક્લેક્ટર કચેરીએ જઇને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.




સોમવારે રેશ્મા પટેલે પોરબંદરમાં ગાંધીજીના જન્મ સ્થળે જઇને સુતરની આટી પહેરાવી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. રેશ્મા પટેલને લઇને પહેલા એવા સમાચાર મળ્યા હતા કે, ભાજપ છોડ્યા બાદ તેઓ એનસીપીમાં જોડાશે. રેશ્મા પટેલને એનસીપીમાંથી પોરબંદરની સીટ પરથી ટિકીટ મળી નહોતી, જેના કારણે રેશ્મા પટેલે અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.



રેશ્મા પટેલે જ્યારે ભાજપમાંથી રાજીનામું આપ્યું ત્યારે સ્પષ્ટપણે લાગતું હતું કે, તેઓ એનસીપીમાં જોડાઇને પોરબંદર બેઠક પરથી મેદાનમાં ઉતરશે. પરંતુ રેશ્મા પટેલ ના તો કોંગ્રેસમાં જોડાયા કે ના તો એનસીપીમાં. જોકે ચર્ચા એવી છે કે, એનસીપીએ રેશ્માને ટિકીટ આપી નહોતી, જેના કારણે રેશ્માએ અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું મન બનાવ્યું હતું. જેના ભાગરૂપે પોરબંદરમાં બાપુના જન્મસ્થળે જઇને સુતરની આંટી પહેરાવીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી.



બીજી બાજુ રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ આકરા પ્રહારો કર્યા હતા. રેશ્માએ કહ્યું હતું કે, ભાજપ અંદરથી ખોખલું થઇ ગયું છે, જેથી ખોખલા થઇ રહેલું ભાજપ હાલ કોંગ્રેસમાં તૈયાર થયેલા કદાવર નેતાઓને પોતાની પાર્ટીમાં જોડી મજબૂત બનવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ ભાજપની આ મૂરાદ પુરી નહીં થાય. રેશ્માએ ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું કે, પાર્ટી મજબૂત છે તો કોંગ્રેસના નેતાઓને શા માટે ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે.



નોંધનીય છે કે, પોરબંદર બેઠક પરથી ભાજપે રમેશ ધડુકને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસમાંથી લલિત વસોયાને તક મળી છે. આ બન્નેનેહવે અપક્ષ તરીકે રેશ્મા પટેલ ટક્કર આપશે.