Rahul Gandhi-Mukesh Ambani Fact Check: લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને ગૌતમ અદાણી વિશે નિવેદનો આપતા રહે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ રાહુલ ગાંધીને 'ભ્રષ્ટાચારી' ગણાવ્યા હતા.  પોસ્ટમાં મુકેશ અંબાણીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે તેમણે રાહુલની પ્રોપર્ટી સહિત અનેક મુદ્દાઓ પર સવાલ પૂછ્યા હતા.


જોકે, જ્યારે વિશ્વાસ ન્યૂઝે આ દાવાની તપાસ કરી તો ખબર પડી કે મુકેશ અંબાણીએ આવું કંઈ કહ્યું નથી. તેમણે રાહુલ ગાંધીને લઈને આવું કોઈ નિવેદન આપ્યું નથી. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે મુકેશ અંબાણી અને રાહુલ ગાંધી વિશે શું દાવો કરવામાં આવ્યો હતો અને ફેક્ટ ચેકની તપાસ દરમિયાન શું સત્ય સામે આવ્યું છે.


રાહુલ ગાંધી વિશે શું દાવો કરવામાં આવ્યો છે?


ફેસબુક પર સોશિયલ મીડિયા યુઝર  Bhagirath Malએ JHUNJHUNU RJ18 દ્વારા બનાવેલ પબ્લિક ગ્રુપમાં મુકેશ અંબાણીના પલટવારનું નકલી નિવેદન શેર કર્યું છે. જે પબ્લિક ગ્રુપમાં વાયરલ પોસ્ટ શેર કરવામાં આવી છે તેના 57 હજારથી વધુ સભ્યો છે. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર યુઝર્સ દ્વારા સમાન પોસ્ટ શેર કરવામાં આવી છે. મુકેશ અંબાણીએ રાહુલને લઇને પલટવાર કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.




ફેક્ટ ચેકમાં નિવેદનને લઇને શું છે સત્ય બહાર આવ્યું?


વાયરલ પોસ્ટને લઈને કરવામાં આવેલા ફેક્ટ ચેક દરમિયાન રાહુલ ગાંધી સાથે જોડાયેલા અનેક એવા રિપોર્ટસ મળી આવ્યા જેમાં તેમણે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પર નિશાન સાધ્યું હતું. જો કે, આ સમયગાળા દરમિયાન એક પણ પોસ્ટ મળી નથી જેમાં એવું કહેવામાં આવ્યું હોય કે મુકેશ અંબાણીએ રાહુલ પર પલટવાર કર્યો હતો. સર્ચ દરમિયાન વાયરલ થઈ રહેલી પોસ્ટ જેવી જ અન્ય એક પોસ્ટ મળી આવી હતી. આ 2020 માં શેર કરવામાં આવી હતી અને દાવો કરવામાં આવે છે કે અનિલ અંબાણીએ પણ રાહુલ પર વળતો પ્રહાર કર્યો હતો.




તેનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે વાયરલ થઈ રહેલી પોસ્ટ નવી નથી. તેને અલગ-અલગ સમયે લોકોમાં વાયરલ કરવામાં આવી છે. જ્યારે આ પોસ્ટને લઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પીઆર ટીમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓએ પણ આ ભ્રામક દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો. ટીમે કહ્યું કે આ પોસ્ટ સંપૂર્ણપણે નકલી છે.


ફેક્ટ ચેકમાં શું બહાર આવ્યું?


મુકેશ અંબાણીએ રાહુલ ગાંધી પર પલટવાર કરવાના દાવા સાથે શેર કરેલી પોસ્ટ નકલી અને બનાવટી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન દ્વારા આવું કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. પોસ્ટમાં કરાયેલા દાવાને હકીકત સાથે કાંઇ લેવાદેવા નથી અને તે સંપૂર્ણ રીતે કાલ્પનિક છે.


Disclaimer: This story was originally published by Vishvas News, and translated by ABP Live as part of the Shakti Collective