નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં 7 રાજ્યોની 51 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં સૌથી વધારે ઉત્તરપ્રદેશની 14, બિહારની 5 અને જમ્મુ-કાશ્મીરની 2, ઝારખંડની 4, મધ્યપ્રદેશની 7, રાજસ્થાનની 12 અને પશ્ચિમ બંગાળની 7 બેઠકો પર મતદારો મતદાન કરશે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, રાજીવ પ્રતાપ રૂડી સહિતના દિગ્ગજોનું ભાવી કાલે ઈવીએમમાં કેદ થશે.
પાંચમાં તબક્કામાં કુલ 8.76 કરોડ મતદારો 674 ઉમેદવારોના ભાવીનો ફેસલો કરશે. ચૂંટણી પંચે આ તબક્કાના મતદાન માટે 96 હજાર 88 મતદાન કેંદ્રો બનાવ્યા છે. પાંચમાં તબક્કામાં 8.76 કરોડ મતદારોમાં 4.63 કરોડ પુરૂષ છે, જ્યારે 4.13 કરોડ મહિલાઓ છે. આ તબક્કામાં 2214 થર્ડ જેન્ડર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
પાંચમાં તબક્કામાં દિગ્ગજોનું ભાવી ઈવીએમમાં કેદ થશે. જે વીઆઈપી બેઠકો પર મતદાન થશે તેમાં યૂપીની અમેઠી, રાયબરેલી, લખનઉ, ઘૌરહરા, સીતાપુર, મોહનલાલ ગંજ, બાંદા, ફેતેહપુર, કોશામ્બી, બારાબંકી, ફૈઝાબાદ, બહરાઈચ, કૈસરગંજ અને ગોંડા લોકસભા બેઠક સામેલ છે. બિહારની વાત કરવામાં આવે તો સીતામઢી, મઘુબની, મુઝફ્ફરપુર, સારણ અને હાજીપુર બેઠક પર પાંચમાં તબક્કામાં મતદાન થશે.