નવી દિલ્હી: પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતને ફરી દિલ્હી પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અજય માકનના પદ પરથી રાજીનામું આપ્યા બાદ શીલાને આ કમાન સોંપવામાં આવી છે. પૂર્વ અધ્યક્ષ અજય માકને ટ્વીટ કરી શીલા દીક્ષિતને શુભકામના પાઠવી. જ્યારે કૉંગ્રેસ નેતાઓએ શીલાને અભિનંદન આપ્યા અને મીઠાઇ ખવડાવી હતી.


અધ્યક્ષ બનાવવા પર 80 વર્ષીય શીલા દીક્ષિતે કહ્યું કે, ‘પાર્ટીએ જવાબદારી સોંપી તે બદલ આભાર. ઉંમરને લઈને કોઈ જ ટિપ્પણી નહીં કરું, ગઠબંધન પર કોઈ ટીપ્પણી નહીં કરું. એલાયન્સ જ્યારે ફાઇનલ થશે ત્યારે તેના પર વાત કરીશ. હાલમાં આ માત્ર મીડિયામાં છે.’શીલા દીક્ષિત 1998 થી 2013 સુધી સતત 15 વર્ષ દિલ્હીના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. 2014માં તેઓ કેરળના રાજ્યપાલ પણ રહ્યાં. દિલ્હી કૉંગ્રેસના નવા અધ્યક્ષ શીલા દીક્ષિત સાથે ત્રણ કાર્યકારી અધ્યક્ષ પણ બનાવાયા છે.

અજય માકને ટ્વિટમાં લખ્યું કે, શીલા દીક્ષિતને ફરી પ્રદેશ અધ્યક્ષ બનવા બદલ અભિનંદન, તેમના હેઠળ મને સંસદીય સચિવ અને કેબિનેટ મંત્રી તરીકે કામ કરવા અને શીખવાનો અવસર મળ્યો ! મને વિશ્વાસ છે કે શીલાજીના નેતૃત્વમાં અમે, મોદી- કેજરીવાલ સરકારોના વિરોધમાં એક સશક્ત વિપક્ષની ભૂમિકા નિભાવીશું.
અજય માકનના ટ્વીટથી સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે કે દિલ્હીમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન નહીં થાય. થોડા દિવસો પહેલાજ આમ આદમી પાર્ટી તરફથી એલાન કરવામાં આવ્યું હતું કે આપ મહાગઠબંધનમાં સામેલ નહીં થાય.