નવી દિલ્હીઃભાજપે આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન મોદી ફરીથી ચૂંટણી જીતવા માટે તમામ મહેનત કરી રહ્યા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ પાર્ટીએ દક્ષિણ ભારતના રાજ્યો પર નજર નાખી છે. વડાપ્રધાન મોદીએ આજે એનડીએના પૂર્વ સાથીઓને ફરીથી ગઠબંધનમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે. ભાજપના દિગ્ગજ નેતા રહેલા અટલ બિહારી વાજપેઇનું નામ લઇને તેમણે તમિલનાડુના રાજકીય પક્ષો તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે. નોંધનીય છે કે ડીએમકે અને એઆઇએડીએમકે અગાઉ પણ કેન્દ્રમાં ભાજપના સાથી પક્ષ રહી ચૂક્યા છે.


તમિલનાડુના ભાજપના કાર્યકર્તાઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે વડાપ્રધાન મોદીએ ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે જૂના સાથીઓને સાથે આવવાના સંકેત આપ્યા હતા. કાર્યકર્તાઓ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, રાજકીય પાર્ટીઓના દરવાજા હંમેશા માટે ખુલ્લા રહે છે. તેમની પાર્ટી જૂના મિત્રોની કદર કરે છે. અટલજી સફળ ગઠબંધનની રાજનીતિની નવી સંસ્કૃતિ લઇને આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ ચૂંટણી અગાઉ સંભવિત મહાગઠબંધનને રોકવા માટે સહયોગીઓને એક કરવાનો દાવ ખેલ્યો છે. તમિલનાડુમાં સત્તાધારી પક્ષ એઆઇએડીએમકે, અભિનેતા રજનીકાંતની પાર્ટી અથવા ડીએમકેમાંથી કોઇ એક સાથે ગઠબંધનની ચર્ચા પર મોદીએ કહ્યું કે,  20 વર્ષ અગાઉ અટલજીએ સફળ ગઠબંધનની રાજનીતિની નવી સંસ્કૃતિ લઇને આવ્યા હતા. ભાજપ હંમેશા અટલજીના બતાવેલા રસ્તા પર ચાલે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે- એનડીએની મજબૂતી પરસ્પરના વિશ્વાસને બતાવે છે. તેમાં કોઇ મજબૂરી છૂપાવેલી નથી. જ્યારે ભાજપ પૂર્ણ બહુમત સાથે જીતીને આવી ત્યારે પણ અમે અમારા સહયોગીઓ સાથે સરકાર ચલાવવાને મહત્વ આપ્યું. નોંધનીય છે કે વાજપેઇની સરકાર દરમિયાન ડીએમકે એનડીએની સાથી પક્ષ રહ્યો છે જ્યારે જયલલિતાની એઆઇએડીએમકે પણ ભાજપને કેન્દ્રમાં સમર્થન કર્યું હતું.