નવી દિલ્હીઃ ભાજપે મંગળવારે સાંજે પંજાબ માટે ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગઈકાલે જ ભાજપમાં જોડાયેલ સની દેઓલને પંજાબની ગુરદાસપુર સીટથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કિરણ ખેરને ફરી એક વખત ચંડીગઢથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઉરાંત હોશિયારપુરથી સોમ પ્રકાશને ટિકિટ આપવામાં આવી છે. આ ભાજપની 26મી યાદી છે.




સની દેઓલે ભાજપ કાર્યાલયમાં મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, “મારા પિતા અટલજી સાથે જોડાયેલા હતા. આજે હું મોદીજી સાથે જોડાવવા માટે આવ્યો છું. હું આ પરિવાર માટે જે કરી શકું તે કરીશ. હું વાત નથી કરતો, હું મારા કામથી તમને દેખાડીશ.” બીજી તરફ સીતારમણે કહ્યું કે, “જેવી અમને ખબર પડી કે તેઓ પાર્ટીમાં સામેલ થઇ રહ્યા છે. હું તેમની ફિલ્મ બૉર્ડરથી ખુદને જોડીને જોઈ શકું છું. આ ફિલ્મ બાદ આ વિષયનો ભારતીય દર્શકો પર પ્રભાવ સાબિત થઇ ગયો હતો. રાષ્ટ્રવાદ અને દેશભક્તિની ભાવના જ્યારે ફિલ્મમાં આટલી સુંદર રીતે દર્શાવામાં આવે તો આ ભારતીય નાગરિકોનાં હ્રદયને સ્પર્શી જાય છે.”

વર્ષ 1983માં ફિલ્મ ‘બેતાબ’થી સની દેઓલે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બોલીવુડમાં એન્ટ્રી કરી. તેમણે ‘બૉર્ડર’, ‘દામિની’ અને ‘ગદર’ જેવી હિટ ફિલ્મો આપી. 2014માં ગુરૂદાસપુર લોકસભા સીટનું પ્રતિનિધિત્વ દિવંગત વિનોદ ખન્નાએ કર્યું હતુ. વિનોદ ખન્નાનાં નિધન બાદ આ સીટ કૉંગ્રેસ પાસે ગઈ હતી. બીજેપી ગુરૂદાસપુરને પોતાની પરંપરાગત સીટ માને છે. આ માટે તેમણે સની દેઓલ પર દાવ લગાવ્યો છે. 2014માં અહીં વિનોદ ખન્નાએ જીત મેળવી હતી.