Gujarat Exit Poll 2024: ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે એક્ઝિટ પોલ (Gujarat Exit Poll 2024 )ના આંકડા  જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતની 25 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન થયું હતું. કુલ 56.23 ટકા મતદાન નોંધાયું હતું. તમને જણાવી દઈએ કે, સુરતની એક બેઠક બીજેપી પહેલા જ જીતી ચુકી છે.


એબીપી ન્યૂઝ-સીવોટર એક્ઝિટ પોલના ડેટા અનુસાર, ગુજરાતમાં NDAને 62 ટકા વોટ મળવાની સંભાવના છે, ઈન્ડિયા એલાયન્સને 35 ટકા વોટ અને અન્યને 3 ટકા વોટ મળવાની શક્યતા છે. તે જ સમયે, એક્ઝિટ પોલ અનુસાર, ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી એનડીએને 25-26 બેઠકો અને ઈન્ડિયા એલાયન્સને 0-1 બેઠકો મળવાની સંભાવના છે. જ્યારે અન્યને 0 બેઠકો મળવાની શક્યતા છે.



ગુજરાતમાં કૉંગ્રેસનું ખાતુ ખુલશે



ABP અસ્મિતાના પોલમાં કૉંગ્રેસનું ગુજરાતમાં ખાતુ ખુલી શકે છે. ગુજરાતમાં ભાજપને 25 બેઠકો મળી શકે છે, જ્યારે કૉંગ્રેસને 1 બેઠક મળી શકે છે.  


ગુજરાતમાં ભાજપને 2 બેઠકોનું નુકશાન



R ભારત મુજબ ગુજરાતમાં ભાજપને 2 બેઠકોનું નુકશાન થઈ શકે છે. ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધનને 2 બેઠકો મળી શકે છે. 



સુરતમાં મુકેશ દલાલ બિનહરીફ વિજેતા



ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. સુરત બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા અહીં  સુરત લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા બન્યા છે.


સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે બિનહરીફ ચૂંટણી જીતી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ચાર કેન્દ્રીય મંત્રીઓ પણ ગુજરાતમાં ચૂંટણી જંગમાં છે. તમને જણાવી દઈએ કે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ 26 સીટો પર જીત મેળવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બીજી વખત ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી પરિણામ 4 જૂને આવશે.  લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ હતી. લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી 1 જૂન સુધી 7 તબક્કામાં મતદાન થયું હતું. 543 બેઠકો પર યોજાયેલી લોકસભા ચૂંટણીના પરિણામ 4 જૂને આવશે.


ક્યારે અને કયા તબક્કામાં કેટલી બેઠકો પર થયું મતદાન?



  • પ્રથમ તબક્કો- 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન.

  • બીજા તબક્કામાં 26 એપ્રિલે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થયું હતું. મધ્યપ્રદેશના બેતુલમાં ચૂંટણીની તારીખ બદલીને 7 મે કરવામાં આવી હતી.

  • ત્રીજો તબક્કો- 7 મેના રોજ 12 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થયું હતું. ગુજરાતના સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. આ સિવાય જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સીટ પર ત્રીજા તબક્કાના બદલે 25 મેના રોજ મતદાન થયું હતું.

  • ચોથા તબક્કામાં 13 મેના રોજ 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થયું હતું.

  • પાંચમો તબક્કો- 20 મેના રોજ 8 રાજ્યોમાં 49 બેઠકો પર મતદાન થયું હતું.

  • છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ 7 રાજ્યોની 58 સીટો પર મતદાન થયું હતું.

  • સાતમો તબક્કો- 1 જૂને 8 રાજ્યોમાં 57 સીટો પર મતદાન થયું હતું.