Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 160 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપે સ્પષ્ટ કર્યું કે સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોટિયાથી ચૂંટણી લડી રહ્યા છે. આ સાથે જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલને પણ ટિકિટ આપવામાં આવી છે. હાર્દિક વિરમગામથી ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યો છે. ભાજપની આ યાદીમાં દરેક વર્ગને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. મહિલાઓથી લઈને અનુસૂચિત જાતિ સુધીના દરેક સમીકરણોને ઉકેલવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.


ગુજરાતમાં ઉમેદવારોની જાહેરાત પહેલા બીજેપી હેડક્વાર્ટર ખાતે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષ પ્રમુખ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં ભાજપે ગુજરાતને લઈને તેના તમામ સમીકરણોની ગણતરી કરી અને અંતે 160 નામોની અંતિમ યાદી તૈયાર કરવામાં આવી. જે આજે બહાર પાડવામાં આવ્યું હતું.


પ્રથમ યાદીમાં 14 મહિલાની પસંદગી


ગુજરાત ચૂંટણી માટેની આ યાદીમાં ભાજપે મહિલાઓની ભાગીદારીનું પણ ધ્યાન રાખ્યું છે. જો કે મહિલાઓની સંખ્યા ઓછી છે. ભાજપે પ્રથમ યાદીમાં 160 ઉમેદવારોમાંથી 14 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. જેમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને પણ જામનગર ઉત્તરમાંથી ટિકિટ આપવામાં આવી છે. તેમના સિવાય માલતીબહેનને ગાંધીધામથી ટિકિટ આપવામાં આવી છે. તેઓ ઉપરાંત વડવાણમાંથી જીજ્ઞાબેન સંજયભાઈ, રાજકોટ પશ્ચિમમાંથી દર્શિતા પારસ શાહ, રાજકોટ ગ્રામ્યમાંથી ભાનુબેન બાબરીયા અને ગોંડલમાંથી ગીતાબા જાડેજાને ટીકીટ આપવામાં આવી છે.


SC-ST સમીકરણ


ગુજરાતમાં લગભગ 15 ટકા વસ્તી એસ.ટી. ગુજરાતની 30 થી 40 જેટલી બેઠકો પર આદિવાસી સમાજના SC અને STનો પ્રભાવ છે. દરેક પક્ષ હંમેશા આ વર્ગને આકર્ષવાનો પ્રયાસ કરે છે. આદિવાસી સમાજ માટે 26 જેટલી બેઠકો અનામત છે. ભાજપની પ્રથમ યાદીમાં અનુસૂચિત જાતિના 13 અને અનુસૂચિત જનજાતિના 24 ઉમેદવારોને ટિકિટ આપવામાંઆવી છે. એટલે કે ભાજપ આ વખતે કોઈપણ પ્રકારની ભૂલ કરવા માંગતી નથી. તમને જણાવી દઈએ કે, ગત વખતે ભાજપ એસટી માટે અનામત બેઠકોમાંથી અડધી પણ સીટો જીતી શકી ન હતી.


40 વર્તમાન ધારાસભ્યોના પત્તા કપાયા 


ગુજરાતના 40 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે અને નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. જેમાં હાર્દિક પટેલ જેવા પક્ષપલટા નેતાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતમાં 69 સીટીંગ ધારાસભ્યોની ટિકિટ રિપીટ કરવામાં આવી છે. હાલ 160 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે, બીજી યાદીમાં વધુ કેટલાક ધારાસભ્યોની ટિકિટ કપાઈ શકે છે.


પૂર્વ સીએમ ચૂંટણીની રેસમાંથી બહાર


જો કે, સૌથી આશ્ચર્યની વાત એ છે કે,છેલ્લી ચૂંટણીમાં જીત બાદ ભાજપે મુખ્યમંત્રી બનાવ્યા અને લાંબા સમય સુધી ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે કામ કરનાર મ વિજય રૂપાણીએ   વિધાનસભાની ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે ચૂંટણી પહેલા ભાજપ દ્વારા રૂપાણીને હટાવીને તેમની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવવામાં આવ્યા હતા. રૂપાણી ઉપરાંત નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આરસી ફાલ્દુ, પ્રદીપસિંહ જાડેજા, સૌરભ પટેલે પોતે પત્ર લખીને ભાજપ પ્રમુખને ચૂંટણી ન લડવા અને પક્ષ માટે કામ કરતા રહેવા જણાવ્યું હતું.


તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. આ પછી 8 ડિસેમ્બરે હિમાચલ અને ગુજરાતના પરિણામો જાહેર થશે.