અમદાવાદઃ લોકસભા ચૂંટણી લડવા માંગતા પાટીદાર નેતા હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો છે. હાર્દિક પટેલની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ અરજી ફગાવતા હવે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડી શકે. જોકે, હાર્દિક સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે.


હાર્દિક પટેલે ટ્વિટ કરતા લખ્યું, ગુજરાત હાઈકોર્ટના નિર્ણયનું સ્વાગત કરૂ છું. ચૂંટણી તો આવતી જતી રહે છે પરંતુ સંવિધાનની વિરૂદ્ધમાં ભાજપ કામ કરી રહ્યું છે. કૉંગ્રેસ પાર્ટીના પચ્ચીસ વર્ષના કાર્યકર્તાને ચૂંટણી લડવાથી કેમ રોકવામાં આવી રહ્યા છે. ભાજપના ઘણા બધા નેતાઓ પર કેસ છે, સજા પણ છે. પરંતુ કાયદો માત્ર અમારા માટે છે.


અમે ડરવાના નથી. સત્ય, અહિંસા અને ઈમાનદારીથી જનતાનો અવાજ ઉઠાવતા રહેશું. જનતાની સેવક કૉંગ્રેસ પાર્ટીની સરકાર બનાવશું. પાર્ટી માટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રચાર કરીશ. મારી માત્ર એટલી ભૂલ છે કે હું ભાજપ સામે ઝુક્યો નહી. સત્તા સામે લડવાનું આ પરિણામ છે.

નોંધનીય છે કે હાર્દિક પટેલે જામનગરથી લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જોકે આજે હાઈકોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂકવાની મનાઈ કરી દીધી છે. જેના કારણે હાર્દિક પટેલ હવે ચૂંટણી લડી શકશે નહીં. હાર્દિક પટેલ સુપ્રિમ કોર્ટમાં અરજી પડકારશે તેવું જાણવા મળ્યું છે.