નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ દાવો કર્યો હતો કે દેશની પ્રજાએ મોદીને સૌથી વધુ બેઠકો આપવાનો નિર્ણય કર્યો છે. પરિણામ નક્કી છે, એનડીએની 300થી વધુ બેઠકો વાળી સરકાર બનશે. એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં વડાપ્રધાને કહ્યું કે 2019ની ચૂંટણીમાં મારી સામે કોઇનું આવવું સંભવ નથી. 2024માં મોદી વિરુદ્ધ કોઇ પણ મેદાનમાં હોઇ શકે છે.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોગ્રેસે ચૂંટણી દરમિયાન વચનો આપી યુવાઓને લૂંટ્યા છે. નેહરૂજી પણ ગરીબી વાત કરતા હતા. ઇન્દિરાજી ,રાજીવ ગાંધી, સોનિયા ગાંધી ગરીબીની વાત કરતા હતા અને હવે તેમની પાંચમી પેઢી પણ ગરીબીની વાત કરે છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય જસ્ટીસ વિરુદ્ધ મહાભિયોગ લાવનારા, મીડિયા પર પ્રતિબંધ લગાવનારા અને ઇમરજન્સી લગાવનારા લોકો મહેરબાની કરીને મને જ્ઞાન ના આપે.

વડાપ્રધાને કહ્યું કે, મારા માટે જેટલું દિલ્હીનું મહત્વ છે એટલું જ ચેન્નઇનું છે. એટલું જ કોચ્ચીનું પણ છે. મે દિલ્હીને લૂટિયનમાંથી બહાર લઇને આવ્યો છું. દિલ્હી મારો સ્વીકાર કરે કે નહી હું દિલ્હીને દેશભરમાં લઇ ગયો છું.

રોજગાર મુદ્દા પર વિપક્ષના આરોપોનો જવાબ આપતા વડાપ્રધાને કહ્યું કે, જે લોકો ઇપીએફ ભરી રહ્યા છે તે નોકરી વિનાના છે. જે લોકો રસ્તો બનાવવાનું કામ કરી રહ્યા છે શું તે રોજગાર નથી. કોગ્રેસ આંકડાઓ વિના લોકોમાં ભ્રમ ફેલાવી રહી છે. મહાગઠબંધનનુ ગણિત ચાલશે નહીં. ઉમેદવારીપત્રક બાદ વિપક્ષ વહેંચાઇ જશે પરંતુ મારું માનવું છે કે દેશ સહમતિના આધાર પર ચાલે છે. 2019માં સરકાર બનાવ્યા બાદ અમે વિરોધી પાર્ટીઓને સાથે લઇને ચાલીશું.

નીરવ મોદી, વિજય માલ્યાના સવાલ પર વડાપ્રધાને કહ્યું કે, અમારી સરકારે તમામ ભાગેડુઓની સંપત્તિ જપ્ત કરી છે. માલ્યાએ 9000 કરોડની છેતરપિંડી કરી છે તેની સામે સરકારે 14000 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. કોગ્રેસે ભાગેડુઓ પર કોઇ કાર્યવાહી કરી નથી. તેઓ રાહ જોઇ રહ્યા છે કે ક્યારે કોગ્રેસની સરકાર બને અને તેઓ દેશ પાછા ફરી શકે.