મહીસાગરઃ પંમચહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વી.કે.ખાટના પ્રચાર માટે હાર્દિક પટેલ મહીસાગર પહોંચવાનો હતો. પરંતુ હાર્દિક પહોંચે તે પહેલાં જ ખેતરમાં રાતોરાત તૈયાર કરાયેલા હેલિપેડમાં હેલિકોપ્ટર ઉતારવા બાબતે ખેડૂતોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જેના કારણે મહીસાગરના અધિક કલેક્ટરે હાર્દિક પટેલનું હેલિકોપ્ટર ઉતારવા માટે મંજૂરી રદ્દ કરી દીધી હતી. આ બાબતે કોંગ્રેસે ખેડૂતોને ઉશ્કેરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.


સવારે હાર્દિક પટેલના હેલિકોપ્ટરને લઈને વિવાદ સર્જાયો હતો. પાસનો કન્વીનર અને અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ પાર્ટીને તેના પાસેથી ઘણી આશાઓ છે. જેના માટે કોંગ્રેસે હાર્દિકને અલગથી એક ચોપાર આપ્યું છે. જેને લઈને હાર્દિક ગુજરાત સહિત બહાર પણ ચૂંટણી પ્રચાર કરવા જાય ત્યારે ચોપારમાં ઉડી રહ્યો છે.

મહીસાગર જિલ્લાના મુખ્ય મથકમાં હાર્દિક પટેલ એક સભા કરવાનો હતો. હાર્દિક ચોપારમાં બેસીને ત્યાં પહોંચવાનો હતો તેના માટે લુણાવાડામાં હેલિપેડ બનાવવાનો  નિર્ણય કર્યો હતો. પરંતુ લુણાવાડામાં જે જગ્યાએ હેલિપેડ બનાવવાનું હતું તેના જમીન માલિક દ્વારા હેલિપેડ અને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી આપી નથી. હાર્દિક અને કોંગ્રેસે તંત્ર પાસેથી તો મંજૂરી લઈ લીધી હતી પરંતુ તેના જમીન માલિકે હાર્દિક અને ચોપાર ઉતારવામાં વિરોધ કર્યો હતો.