લોકોને સંબોધતા માયાવતીએ કહ્યું કે, ઇવીએમમાં જો ગરબડ કરવામાં નહી આવે તો ગઠબંધન જરૂર જીતશે. દેશ વિરોધી પાર્ટીઓના ખોખલા વચનોમાં છેતરાશે નહીં. ચૂંટણી ખત્મ થયા બાદ પોતાના વચનોને પાર્ટીઓ ભૂલી જાય છે. હવે કોગ્રેસ આ પ્રકારના વચનો આપી રહી છે. કોગ્રેસના વડા દેશના ગરીબ લોકોને લલચાવવા માટે દર મહિને છ હજાર રૂપિયા આપવાની જે વાત કરી છે તેનાથી ગરીબીનું કોઇ સ્થાયી ઉકેલ આવશે નહીં. જો કેન્દ્રમાં અમને સરકાર બનાવવાની તક મળે છે તો દર મહિને સરકારી અને બિન સરકારી ક્ષેત્રોમાં સ્થાયી રોજગાર આપવાની વ્યવસ્થા કરીશું.
દરમિયાન માયાવતીએ મુસ્લિમો પર અત્યાચારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કહ્યું કે, મુસ્લિમોની હાલત ખરાબ છે. દેશમાં મોટાભાગના રાજ્યમાં ભાજપની સરકાર હોવાના કારણે મુસ્લિમોનો વિકાસ બંધ થઇ ગયો છે. પશ્વિમ ઉત્તર પ્રદેશમાં તમામ ધર્મના લોકો રહે છે. હું ચૂંટણીમાં મુસ્લિમ સમાજના લોકોને સાવધાન કરવા માંગું છું કે આખા યુપીમાં કોગ્રેસ ભાજપને ટક્કર આપવા લાયક નથી. જેથી મુસ્લિમ સમાજે પોતાના મતોના ભાગલા પાડવા જોઇએ નહીં પરંતુ ગઠબંધનના ઉમેદવારને મત આપી વિજયી બનાવવો જોઇએ.