કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોએ ભારતીય જનતા પાર્ટીને જબરદસ્ત આંચકો આપ્યો છે.ચૂંટણીમાં  એડીચોટીનુ જોર લગાવવા છતાં ભાજપને કારમી હાર મળી છે.  બીજી તરફ કોંગ્રેસની  આ શાનદાર જીતે પક્ષની દિશા અને દશા બદલાવવા ઉપરાંત અનેક રાજનેતાઓની કારર્કિદીમાં નવા પ્રાણ ફુંકયા છે.  


કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે પ્રમુખ બન્યા બાદ યોજાયેલી વિધાનસભાની પ્રથમ ચૂંટણીમાં પક્ષને  બમ્પર જીત અપાવી અને એ પણ  પોતાના ગૃહરાજયમાં જીત મેળવીને શુકનવંતા સાબીત થયા છે. રાહુલ ગાંધીના સમર્થક નેતાઓ આ જીત માટે ભારત જોડો યાત્રાને સફળતા માટે  જવાબદાર ગણે છે.જો કે વાસ્તવીકતા એ પણ છે કે તમામ વાતોની વચ્ચે કર્ણાટક કોંગ્રેસ સમિતીના અધ્યક્ષ ડી.કે શિવકુમારની ચૂંટણી જીતવા માટેની રણનીતીએ પાર્ટીને સ્પષ્ટ બહુમતી અપાવી છે. આ એજ ડી કે શિવકુમાર છે કે જેમણે વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોને બેંગ્લોરના રિસોર્ટમાં આશરો આપી સૌપ્રથમ વખત ચર્ચામાં આવ્યા હતા. 


વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા માર્ચ મહિનામાં યોજાયેલી રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફ ઉમેદવાર અહેમદ પટેલની સામે બળવંતસિંહ રાજપૂતે ઉમેદવારી નોંધાવી હતી. બે દિગ્ગજ નેતાઓને લઈ રાજ્યનું રાજકારણ ગરમાયું હતું. વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા સહિત અનેક ધારાસભ્યોએ બળવો કર્યો હતો.  ગુજરાતમાં પ્રથમ વખત રાજ્યસભાની ચૂંટણી આટલી રસપ્રદ બની હતી.  કોંગ્રેસના તમામ ધારાસભ્યોને અકબંધ રાખવા બેંગ્લોર લઈ જવામાં આવ્યા હતા. બેંગ્લોરમાં આ તમામ ધારાસભ્યોને  સાચવવાની જવાબદારી કર્ણાટક કૉંગ્રેસના દિગ્ગજ નેતા ડી કે શિવકુમારને સોંપવામાં આવી હતી.  તેમણે રાજકીય કોઠાસુઝથી તમામ  ધારાસભ્યોને સાચવી અને પક્ષના નેતા અહેમદ પટેલને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 


ખૂબ જ સરળ અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા ડીકે શિવકુમારે રાજકીય જીવનમાં  અનેક ઉતાર ચઢાવ જોયા છે.  તેઓએ જેલવાસ ભોગવ્યો છતાં   કપરા સમયમાં  હાર નહી માનીને કોંગ્રેસના વફાદાર સૈનિક બનીને ઉભર્યા છે.  ડીકે શિવકુમાર કર્ણાટકમાં કોંગ્રેસ પક્ષને સ્પષ્ટ બહુમતી અપાવવામાં સફળ રહ્યા છે. 


ભાજપે યેદિયુરપ્પાના સ્થાને લિંગાયત સમાજમાંથી આવતા બસવરાજ બોમ્મઈને મુખ્યમંત્રી બનાવવા છતાં યોગ્ય પરિણામ લાવવામાં સફળતા ન મળી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અને મોવડીમંડળ ડીકે શિવકુમારને કર્ણાટકના મુખ્યમંત્રી બનાવી શિરપાવ આપશે કે નહીં તેના પર હવે સૌ કોઈની નજર છે. ઘણા સમયથી મુર્છીત કોંગ્રેસ માટે ડી કે શિવકુમાર ખરા અર્થમાં સંજીવની સાબીત થયા છે. કર્ણાટક વિધાનસભાની બમ્પર જીતે સમગ્ર દેશમાં કોંગ્રેસના કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંક્યા છે.  કર્ણાટકમાં કૉંગ્રેસને મળેલી આ શાનદાર જીતથી ડીકે શિવકુમારનું રાજકીય કદ જરુર વધી ગયું છે. ત્યારે કોંગ્રેસ તેનો ફાયદો રાજસ્થાનમાં મેળવી શકશે કે નહી તેના પર સૌ કોઈની નજર છે.