Narendra Modi Cabinet: લોકસભા ચૂંટણી 2024ના પરિણામોમાં એનડીએ સરકારને ફરી એકવાર સત્તામાં વાપસીનો મોકો મળ્યો, ગઇકાલે સાંજે પીએમ મોદીએ પોતાના મંત્રીઓ સાથે શપથ લીધા. પીએમ મોદી સતત ત્રીજીવાર દેશના વડાપ્રધાન બન્યા છે. નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે 7.15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમની સાથે અન્ય 71 મંત્રીઓએ શપથ લીધા. તેમાંથી એક નામની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. ખરેખર, આ નામ કેરળનું છે જેણે રાજ્યમાં ભાજપનું ખાતું ખોલાવ્યું છે.


લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રૉલ થયેલા “એક્શન હીરો” સુરેશ ગોપી ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટિકિટ પર ત્રિશૂર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેમણે આ સીટ જીતીને ઈતિહાસ રચ્યો, જેના બદલામાં તેમને મોદીની કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. કેરળમાં ભાજપનો દાયકાઓથી ચાલેલો સંઘર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ફળ્યો. સુરેશ ગોપીના માધ્યમથી ભાજપનું ખાતું આખરે આ વખતે કેરળમાં ખુલતું જણાય છે.


પીએમ મોદીએ ખુદ કર્યો સુરેશ ગોપીને કૉલ 
જીત બાદ પણ સુરેશ ગોપીની રાજકીય ઇનિંગમાં ઉતાર-ચઢાવ આવ્યા હતા. તેમણે શરૂઆતમાં કેન્દ્ર સરકારમાં મંત્રી પદ સ્વીકારવાની ઈચ્છા વ્યક્ત કરી ન હતી. તેઓ બે દિવસ પહેલા દિલ્હીમાં એનડીએ સાંસદોની બેઠકમાં હાજરી આપીને કેરળ પરત ફર્યા હતા. આ પછી રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે તેમને ફોન કર્યો અને તરત જ દિલ્હી પહોંચવાનું કહ્યું. ગોપીએ રવિવારે સાંજે દિલ્હીમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા.




રાજ્યસભા માટે પસંદ કરવાામાં આવી ચૂક્ય છે સુરેશ ગોપીને 
સુરેશ ગોપીની વાત કરીએ તો લોકસભામાં ચૂંટાયા પહેલા તેમને 2016માં રાજ્યસભા માટે નૉમિનેટ કરવામાં આવ્યા હતા. રાજ્યસભામાં તેમનો કાર્યકાળ 2022 સુધી ચાલ્યો હતો.


રોમાંચક ટક્કરમાં સુરેશ ગોપીએ સુનીલ કુમારને હરાવ્યા 
આ લોકસભા ચૂંટણીમાં સુરેશ ગોપીએ તેમના નજીકના હરીફ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI)ના VS સુનિલ કુમારને રોમાંચક સ્પર્ધામાં હરાવ્યા. ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, ગોપીને 4,12,338 વોટ મળ્યા, જ્યારે કુમારને 3,37,652 વોટ મળ્યા. જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે. મુરલીધરન 3,28,124 મતો સાથે ત્રીજા સ્થાને જોવા મળ્યા હતા.


સુરેશ ગોપી વિશે જાણો ખાસ વાતો..... 
-સુરેશ ગોપી કેરળના અલપ્પુઝાનો રહેવાસી છે.
-સુરેશ ગોપીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
-66 વર્ષીય સુરેશ ગોપી સાયન્સમાં ગ્રેજ્યુએટ છે. તેણે અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
-સુરેશ ગોપીને 1998માં આવેલી ફિલ્મ કલિયાટ્ટમ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
-સુરેશ ગોપીએ લાંબા સમય સુધી ટીવી શો પણ હોસ્ટ કર્યા હતા.