નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર દરમિયાન એક યુવકે થપ્પડ મારી છે. અરવિંદ કેજરીવાલ મોતીનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર બૃજેશ ગોયલ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. યુવક અચાનક રોડ શો કરી રહેલા કેજરીવાલની કારના બોનેટ પર ચડી ગયો અને થપ્પડ મારી દિધી હતી.


કેજરીવાલને થપ્પડ માર્યા બાદ પોલીસે શખ્સની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે તેની આકરી પૂછપરછ કરી હતી, જેમાં તેણે જણાવ્યું કે તેનું નામ સુરેશ છે અને તે કેજરીવાલને નહીં પરંતુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શિવચરણ ગોયલને થપ્પડ મારવા આવ્યો હતો પરંતુ ભુલથી અરવિંદ કેજરીવાલને થપ્પડ લાગી ગઇ.

મુખ્યમંત્રી અરવિંદ  કેજરીવાલને થપ્પડ મારનારા સુરેશની પત્નીનું કહેવું છે સુરેશને મોદી વિરુદ્ધમાં કંઇ પણ સાંભળવું સારું નહોતું લાગતું જેનાથી સુરેશ નારાજ હતો. આ કારણે જ તેણે કેજરીવાલને થપ્પડ મારી છે. મમતાએ જણાવ્યું કે તેનો પતિ સુરેશને પીએમ મોદીની વિરૂદ્ધમાં કંઈ પણ સાંભળવા નહોતો માંગતો. થોડા દિવસ પહેલા આપના ધારાસભ્ય શિવચરણ ગોયલ ચૂંટણી પ્રચાર માટે સુરેશના ઘરે ગયા હતા. જ્યાં શિવચરણે મોદી વિશે ખરાબ ખરાબ વાતો કરી હતી આથી તે નારાજ હતો. સુરેશની મોતી નગર પોલીસ સ્ટેશનમાં પુછપરછ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સુરેશ કૈલાશ પાર્કમાં સ્પેયર પાર્ટ્સનું કામ કરે છે.