પાટણઃ વડાપ્રધાન મોદીએ આજે ગુજરાતના પાટણમાં જાહેર સભા સંબોધી હતી. લોકોને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, મને સત્તાની પરવાહ નથી કા તો આતંકવાદ રહેશે કા તો હું રહીશ પરંતુ દેશની સુરક્ષા સાથે દેશના સાર્વભોમત્વ સાથે કોઈ બાંધછોડ નહીં થાય. આજે મંદિરોમાં જઈએ તો મેટલ ડિટેક્ટરોમાંથી પસાર થવું પડે છે. 40 વર્ષમાં આતંકનો છાયો એવો પડ્યો કે આપણે અસરુક્ષિત અનુભવ કરતા થઈ ગયા હતા. વધુમાં મોદીએ કહ્યું કે, આપણા દેશના સૈનિકોએ એર સ્ટ્રાઇક કરી તો આ મહામિલાવટી લોકોએ એના પુરાવા માંગવાનું શરુ કર્યું.જ્યારે આપણો પાયલટ પાકિસ્તાને  પકડ્યો ત્યારે કહી દીધું હતું કે જો તેને કાંઇ પણ થયું તો હું છોડીશ નહીં.


મોદીએ કહ્યું કે, પંચમુખી હનુમાનજીની આ ધરતીને હું પ્રણામ કરું છું. હવે તો દેશની ચલણી નોટોમાં પણ ગુજરાતનો દબદબો છે. એક તરફ આપણા મહાત્મા ગાંધીજી અને બીજી તરફ આપણી પાટણની રાણકી વાવ. પાટણના પોતાના સંસ્મરણો વાગોળતા મોદીએ કહ્યું કે, હું નાનપણમાં પાટણ આવતો હતો. પાટણ સાથે મારો જૂનો નાતો છે. મેં જીવનનો પહેલો ફોટો અહીંયા પડાવ્યો હતો. જ્યારે સરકારમાં નહોતો ત્યારે જયનારાયણ વ્યાસના ઘરે આવતો એ સમયે મને કઈ સમજ નહોતી. અર્થશાસ્ત્ર અને ઇન્ડસ્ટ્રીયલ પોલિસીના પાઠ તેમણે શીખવાડ્યા હતા.

વડાપ્રધાને કહ્યું કે, મારા માટે આ ચૂંટણી સભા નથી પરંતુ મને જેમણે મોટો કર્યો તેમના દર્શન કરવાનો અવસર છે. આજે હું મારા માટે સર્વસ્વ એવા ગુજરાતીઓનો આશીર્વાદ લેવા આવ્યો છું. આપણે તો નક્કી કરી લીધું છે, ખુરશીને રહેવું હોય તો રહે જવું હોય તો જાય કાં હું રહીશ કા આતંકવાદ રહેશે.