Lok Sabha Election 2024:  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે રાયબરેલી લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને અશોક ગેહલોત હાજર રહ્યા હતા. શુક્રવારે સવારે જ કોંગ્રેસ પાર્ટીએ અમેઠી અને રાયબરેલી સીટ પરથી ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જે બાદ રાહુલ ગાંધી તેમની માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્યો સાથે રાયબરેલીના ફુરસતગંજ એરપોર્ટ પહોંચ્યા હતા.






પાર્ટીએ શુક્રવારે સવારે જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે, જે અગાઉ તેમની માતા સોનિયા ગાંધીનો મતવિસ્તાર હતો. પાર્ટીએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે ગાંધી પરિવારના નજીકના સહયોગી કિશોરી લાલ શર્માને અમેઠી લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. શર્માએ ગાંધી પરિવારની ગેરહાજરીમાં આ બે પ્રતિષ્ઠિત મતવિસ્તારોનું ધ્યાન રાખ્યું છે. સાત તબક્કાની લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં જે બેઠકો માટે 20 મેના રોજ મતદાન થશે તેના માટે આજે નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે.


રાયબરેલી અને અમેઠી બેઠકો માટે 20 મેના રોજ જ મતદાન થશે. 4 જૂને મતગણતરી થશે. દરમિયાન અમેઠીથી કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માએ પ્રિયંકા ગાંધીની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. પહેલા એવી અટકળો હતી કે પ્રિયંકા ગાંધી અમેઠીથી ચૂંટણી લડી શકે છે. પરંતુ યાદી જાહેર થયા બાદ તમામ અટકળોનો અંત આવ્યો હતો.






કિશોરી લાલ શર્માના નોમિનેશનમાં ભાગ લેનાર પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'હું આ ચૂંટણીમાં પણ ખભેથી ખભો મિલાવીને લડીશ. અમે તમારા માટે આ ચૂંટણી લડીશું જેથી તમારો વિકાસ થાય. હવે આ અવસર દેશને સંદેશ આપવાનો આવ્યો છે કે અમે સેવાની રાજનીતિ કરીએ છીએ. આ તમારી પસંદગી છે, તમે જીતશો. હું 6 મે સુધી અમેઠીમાં રહીશ. અમે લોકોના બળ પર અમેઠીની ચૂંટણી જીતીશું.