LokSabha Election: ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો, ભાજપ બાદ ક્ષત્રિયો કોંગ્રેસનો પણ વિરોધ કરવા મેદાનમાં ઉતર્યા

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, રાજ્યમાં તમામ 26 બેઠકો પર આગામી 7મી મેએ એક જ તબક્કામાં મતદાન યોજાવવાનું છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 29 Apr 2024 04:23 PM
પાટણમાં રાહુલ ગાંધી સભાને સંબોધન કરે એ પહેલા વિરોધ

કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં પાટણથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધી સભા સંબોધિત કરે તે અગાઉ ભાજપે વિરોધ નોંધાવ્યો હતો. ભાજપ સમર્થિત ક્ષત્રિય સમાજના લોકોએ રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો. ભાજપ કાર્યકરો અને ક્ષત્રિય આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. ટીબી ચાર રસ્તા સદરામ ચોકડી પાસે વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસે વિરોધ પ્રદર્શન કરતા લોકોની અટકાયત કરી હતી. ભાજપ સમર્થિત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરાયો હતો. રાહુલ ગાંધીના નિવેદન બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના અગ્રણી વિનયસિંહ ઝાલા સહિત કાર્યકરોએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધીનો કાફલો સભા સ્થળે પહોંચે તે પહેલા વિરોધ કરાયો હતો. રાજપૂત સમાજના લોકો દ્વારા રાહુલ ગાંધી હાય હાય ના લગાવ્યા સૂત્રોચાર લગાવ્યા હતા. પાટણમાં કોગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. ચૂંટણી સભામાં શક્તિસિંહ, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ ગાંધીએ ‘જય બહુચર માતાજી,જય અંબાજી’ બોલીને કરી સંબોધનની શરૂઆત કરી હતી.

'દરેક પરિવારની મહિલાના ખાતામાં વાર્ષિક એક લાખ જમા કરીશું' - પાટણમાં રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં બે વિચારધારાની લડાઈ છે. ભાજપ-RSSના લોકો બંધારણને ખત્મ કરવા માંગે છે. કોંગ્રેસ-ગઠબંધન બંધારણની રક્ષા કરે છે. બંધારણ બદલવાનું ભાજપના નેતાઓ જાહેરમાં બોલે છે. બંધારણ જ ગરીબોની રક્ષા કરે છે. 22-25 લોકો હિંદુસ્તાનના રૂપિયાને કંટ્રોલ કરે એ PMની ઈચ્છા છે. 22 લોકોની સંપતિ 70 કરોડ ભારતીયો જેટલી છે. યુપીએની સરકારમાં  ખેડૂતો પરનું દેવું માફ કરાયું હતું. મોદી સરકાર ઉદ્યોગતિની સરકાર છે. ખેડૂતો, વેપારીઓનો ફાયદો ઉદ્યોગપતિઓ જોઇ શકતા નથી. ભાજપના નેતાઓ અનામત ખત્મ કરવા માંગે છે. દેશમાં ગરીબો, દલિતો, આદિવાસીઓ માટે અનામત છે. હિંદુસ્તાનમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારી છે .હિંદુસ્તાનમાં સૌથી મોટો મુદ્દો ખેડૂતોની સ્થિતિ છે. અત્યારે યુવાઓ રોજગારી માટે ભટકે છે. રાહુલ ગાંધીએ ભાષણમાં ભાવનગરના મહારાજાને યાદ કર્યા હતા. દેશને રાજ અર્પણ કરનાર ભાવનગરના મહારાજાનો રાહુલે આભાર માન્યો હતો. રાહુલે કહ્યું કે દેશને રાજ સમર્પિત કરનાર ભાવનગરના મહારાજાને યાદ કરું છું.

જાતિ જનગણના બાદ દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે- રાહુલ ગાંધી

પાટણમાં કોગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. ચૂંટણી સભામાં શક્તિસિંહ, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ ગાંધીએ ‘જય બહુચર માતાજી,જય અંબાજી’ બોલીને કરી સંબોધનની શરૂઆત કરી હતી. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશમાં 90 ટકા લોકો GST ચૂકવે છે અને 22 લોકોના ખિસ્સામાં આ જીએસટી જાય છે. 24 કલાક કામ કરનાર ખેડૂતો પણ જીએસટી ચૂકવે છે. ખેડૂતોનું દેવુ માફ કેમ નથી કરવામાં આવતુ નથી. 22 લોકોની PM મોદી સાથે દોસ્તી છે. કૉંગ્રેસનું પ્રથમ કામ જાતિ જનગણના હશે. જાતિ જનગણના બાદ દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે.

પાટણમાં રાહુલ ગાંધીએ જનસભા સંબોધી

'નરેન્દ્ર મોદી ધર્મ યુદ્ધ લડી રહ્યાં છે, તેમનો સાથ આપો' - અલ્પેશ ઠાકોર

રાજ્યમાં ઠેર ઠેર ભાજપના નેતાઓનો વિરોધ થઇ રહ્યો છે, આગામી 7મેએ ગુજરાતમાં તમામ 26 બેઠકો પર એકજ દિવસે લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાવવાનું છે. ત્યારે આ પહેલા ભાજપે ડેમેજ કન્ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધું છે. તાજા રિપોર્ટ પ્રમાણે, ભાજપે ક્ષત્રિય ઠાકોર સમાજને સમજાવવા અને મનાવવા માટે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે હવે ક્ષત્રિયોને સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. બહુચરાજી અને કડી તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણીઓ સાથે અલ્પેશ ઠાકોરે બેઠક યોજી હતી, જેમાં ક્ષત્રિય સમાજની નારાજગી દુર કરવાના પ્રયાસો કરાયા હતા. અલ્પેશ ઠાકોરે આ બેઠકમાં ક્ષત્રિય આગેવાનોને સમજાવતા કહ્યું હતુ કે, દેશમાં નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે, તેઓ વિકાસ અને ધર્મનું યુદ્ધ લડી રહ્યાં છે, તેમનો સાથ આપવો જરૂરી છે. આ વિસ્તારની દિશા, દશા શું હતી એ દિવસો ના ભૂલવા જોઇએ. અલ્પેશ ઠાકોરે જણાવ્યુ કે, પહેલા પાણી, રૉડ-રસ્તા, લાઈટની સમસ્યાઓ હતી, નરેન્દ્ર મોદીએ રાજ્યની અનેક સમસ્યાઓ દુર કરી છે, ગુજરાતમાં ખૂનખરાબા થતા હતા એ દિવસો ભુલાય નહીં. અમદાવાદમાં તોફાનો થતા એ દિવસો ભુલાય નહીં. આ તમામ સમસ્યાઓ ભાજપના રાજમાં જ દૂર થઇ છે. 

રાજકોટ ભાજપના મોટા નેતા પક્ષને નેવે મુકી પરેશ ધાનાણીના પ્રચારમાં જોડાઇ ગયા

રાજકોટમાં ભાજપ માટે કપરા ચઢાણ બની રહ્યાં છે. પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજની બહેનો માટે કરેલી અભદ્ર ટિપ્પણીના પડઘા હવે પક્ષના જ હોદ્દેદારો અને કાર્યકરો પર પડી રહ્યાં છે. રાજકોટ બેઠક પર હવે ભાજપના નેતાઓ ભાજપ માટે નહીં પરંતુ વિપક્ષ કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યા છે. હાલમાં જ રાજકોટના વિંછિયા તાલુકા પંચાયતના ભાજપ સહ ઈન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઘટના એવી છે કે, વિંછિયાના ભાજપ સહ ઇન્ચાર્જ નેતા ભૂપત પડાણી અચાનક ભાજપ- પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે, ભાજપને બદલે ભૂપત પડાણીએ અચાનક કોંગ્રેસના પરેશ ધાનાણીના પ્રચારમાં જોડાયા હતા, આ ઘટના બાદ પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ ભૂપત પડાણીએ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ભૂપત પડાણીને હાલમાં પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ બેઠક પર ભાજપ માટે હવે કપરાં ચઢાણ બની રહ્યા છે. 

પીએમ મોદી પર 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવાની માગ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજી પર સોમવારે (29 એપ્રિલ) દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે. અરજીકર્તાએ પીએમ મોદી પર લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ધાર્મિક દેવી-દેવતાઓ અને પૂજા સ્થાનોના નામે ભાજપ માટે વોટ માંગવાનો આરોપ લગાવ્યો છે. વ્યવસાયે વકીલ આનંદ એસ. જોંધલેએ દિલ્હી હાઈકોર્ટમાં આ અરજી દાખલ કરી છે. જોંધલેએ કોર્ટ પાસે માગણી કરી છે કે ચૂંટણી પંચને વડાપ્રધાન પર 'પ્રતિનિધિત્વ અધિનિયમ' હેઠળ છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપે. સાથે જ પીએમ મોદીને ધાર્મિક દેવી-દેવતાઓ અને ધર્મસ્થળોના નામે વોટ માંગવાનું બંધ કરવા સૂચના આપવી જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે પીએમએ 9 એપ્રિલે ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ભાષણ આપતી વખતે આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું.

પીએમ મોદી સામે અરજદારે શું દાવો કર્યો છે?

લાઈવ લૉના અહેવાલ મુજબ, અરજદારે કહ્યું છે કે પીએમ મોદીએ માત્ર હિન્દુ અને શીખ દેવી-દેવતાઓ અને તેમના ધર્મસ્થાનોના નામ પર વોટ માંગ્યા નથી, પરંતુ વિરોધી રાજકીય પક્ષોને મુસ્લિમોની તરફેણ કરતા કહીને તેમની વિરુદ્ધ ટિપ્પણીઓ પણ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદી ભારત સરકારના વિમાનો અને હેલિકોપ્ટરમાં દેશભરમાં પ્રવાસ કરવા જઈ રહ્યા છે અને આ દરમિયાન તેઓ દરેક જગ્યાએ સમાન ભાષણ આપવાની યોજના બનાવી રહ્યા છે. જોંધલેનું કહેવું છે કે પીએમ મોદીના ભાષણો મતદારોમાં જાતિ અને ધર્મના આધારે નફરત પેદા કરી શકે છે. અરજદારે આ મામલે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે. આમાં તેણે કહ્યું છે કે પીએમ મોદી કહે છે કે તેમણે રામ મંદિર બનાવ્યું, કરતારપુર સાહિબ કોરિડોરનો વિકાસ કર્યો અને અફઘાનિસ્તાનથી ગુરુ ગ્રંથ સાહિબની નકલો પરત લાવ્યાં. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે તાત્કાલિક વડાપ્રધાન વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.

PM મોદીના ક્યા ભાષણ પર છે વિવાદ?

વાસ્તવમાં, 9 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક ચૂંટણી રેલીમાં લોકોને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ઈન્ડિયા એલાયન્સના નેતાઓએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણને નકારીને ભગવાન રામનું અપમાન કર્યું છે. તેમણે કોંગ્રેસના મેનિફેસ્ટો પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે એવું લાગે છે કે આ તેમનો મેનિફેસ્ટો નથી પરંતુ મુસ્લિમ લીગનું ઘોષણાપત્ર છે.તેમણે એમ પણ કહ્યું કે ભાજપ શીખોની સાથે મજબૂતીથી ઉભી છે. પીએમએ લંગરની વસ્તુઓ પર જીએસટી માફ કરવાના અને કરતારપુર સાહિબ કોરિડોર ખોલવાના ભાજપ સરકારના નિર્ણય વિશે પણ વાત કરી.

કોંગ્રેસના સ્ટાર પ્રચારકો

હવે કોંગ્રેસે  પોતાના સ્ટાર ઇલેક્શન કેમ્પેઇનર અને સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, આ લિસ્ટમાં કોંગ્રેસી ગુજરાતી નેતાઓને પણ સ્થાન આપ્યુ છે. ગુજરાત લોકસભા બેઠકો પર પ્રચાર કરવા માટે કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરાઇ છે. આ યાદી પ્રમાણે, ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, પાર્ટી ચેરપર્સન સોનિયા ગાંધી સ્ટાર પ્રચારક છે. આ ઉપરાંત આ લિસ્ટમાં રાહુલ ગાંધી, મુકુલ વાસનિક કોંગ્રેસના સ્ટાર પ્રચારક બન્યા છે. પ્રિયંકા ગાંધી વાડ્રા, અશોક ગેહલોત, સચિન પાયલટ સામેલ છે. કોંગ્રેસના ગુજરાતી નેતાઓમાં મુમતાઝ પટેલ, રઘુ દેસાઈ, ઈન્દ્રનિલ રાજ્યગુરૂ, ભરતસિંહ સોલંકી, કદીર પિરઝાદા, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિક, લલિત કગથરા, જિજ્ઞેશ મેવાણી અને ગ્યાસુદ્દીન શેખને કોંગ્રેસના સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે. 

પાટણમાં આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી જાહેરસભા સંબોધશે

પાટણ લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે રાહુલ ગાંધી આજે  મતદારો પાસે મત માંગશે. શહેરના પ્રગતિ મેદાન ખાતે રાહુલ ગાંધીની જાહેર સભાની તૈયારી પૂર્ણ થઇ ગઇ છે. પાટણમાં રાહુલ ગાંધી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો , પૂર્વ ધારાસભ્ય , આગેવાનો સહિત INDIA ગઢબંઘનના નેતાઓ પણ હાજર રહેશે. પાટણ ખાતે રાહુલ ગાંધીની જાહેરસભા ૨૦૧૭ બાદ એટલે કે ૭ વર્ષ બાદ થતાં જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને તૈયારી કરવામાં આવી છે. જાહેરસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર મતદારોનો મિજાજ પણ રહેશે. ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો પર જીત મેળવવાનો પહેલાથી જ દાવો કરી રહ્યું છે. આગામી લોકસભા ચૂંટણીમાં 2014 અને 2019માં ભાજપે અહીં એકતરફી જીત સાથે તમામ 26 બેઠકો પર કબજો જમાવ્યો હતો, હવે આ સિલસિલાને તોડવા માટે અને જીતનું ખાતુ ખોલાવવા કોંગ્રેસ નવી રણનીતિ સાથે 27મી એપ્રિલથી પ્રચંડ પ્રચારની શરૂઆત કરી દીધી છે. આ પહેલા પ્રિયંકા ગાધીએ વલસાડ ખાતે સભા સંબંધો હતી. 

પાટણમાં આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી જાહેરસભા સંબોધશે

પાટણ લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે રાહુલ ગાંધી આજે  મતદારો પાસે મત માંગશે. શહેરના પ્રગતિ મેદાન ખાતે રાહુલ ગાંધીની જાહેર સભાની તૈયારી પૂર્ણ થઇ ગઇ છે. પાટણમાં રાહુલ ગાંધી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો , પૂર્વ ધારાસભ્ય , આગેવાનો સહિત INDIA ગઢબંઘનના નેતાઓ પણ હાજર રહેશે. પાટણ ખાતે રાહુલ ગાંધીની જાહેરસભા ૨૦૧૭ બાદ એટલે કે ૭ વર્ષ બાદ થતાં જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને તૈયારી કરવામાં આવી છે. જાહેરસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર મતદારોનો મિજાજ પણ રહેશે. ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો પર જીત મેળવવાનો પહેલાથી જ દાવો કરી રહ્યું છે. આગામી લોકસભા ચૂંટણીમાં 2014 અને 2019માં ભાજપે અહીં એકતરફી જીત સાથે તમામ 26 બેઠકો પર કબજો જમાવ્યો હતો, હવે આ સિલસિલાને તોડવા માટે અને જીતનું ખાતુ ખોલાવવા કોંગ્રેસ નવી રણનીતિ સાથે 27મી એપ્રિલથી પ્રચંડ પ્રચારની શરૂઆત કરી દીધી છે. આ પહેલા પ્રિયંકા ગાધીએ વલસાડ ખાતે સભા સંબંધો હતી. 

'કોંગ્રેસનાં ચૂંટણી ઢંઢેરામાં મુસ્લિમ લીગની છાપ', - PM મોદી

કૉંગ્રેસના ઢંઢેરામાં મુસ્લિમ લીગની છાપ હોવાનો પુનરોચ્ચાર કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસના ઢંઢેરાની સત્યતાને તથ્યોના આધારે નિષ્પક્ષ રીતે બહાર લાવવાની જવાબદારી તેમની છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાને કહ્યું કે જ્યાં સુધી કોંગ્રેસના ઢંઢેરાની વાત છે, શું કોઈ મને કહી શકે છે કે શું ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોના મેનિફેસ્ટો માત્ર દેખાડો કરવા માટે હોય છે? દરેક રાજકીય પક્ષનો મેનિફેસ્ટો વાંચવાનું કામ મીડિયાનું છે. હું મીડિયાના આ કામની રાહ જોઈ રહ્યો હતો. મેં પહેલા જ દિવસે મેનિફેસ્ટો પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે મેનિફેસ્ટો જોયા પછી મને લાગ્યું કે તેના પર મુસ્લિમ લીગની છાપ છે. પછી મેં વિચાર્યું કે મીડિયાને આશ્ચર્ય થશે. પરંતુ કોંગ્રેસે જે પણ રજૂઆત કરી હતી, તેઓ તેનું પુનરાવર્તન કરતા રહ્યા હતા. પછી મેં વિચાર્યું કે આ ઇકોસિસ્ટમનું મોટું કૌભાંડ લાગે છે અને મારે સત્ય બહાર લાવવાનું છે. મેં 10 દિવસ સુધી રાહ જોઈ કે કોઈ નિષ્પક્ષ રીતે મેનિફેસ્ટોના નકારાત્મક પાસાઓ બહાર લાવે, જે સારું હોત. મને આ સત્યો પ્રકાશમાં લાવવાની ફરજ પડી હતી. આખરે મેં સત્ય બહાર કાઢ્યું.

પીએમ મોદીનું કોંગ્રેસ પર નિશાન

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાની 'હેરિટન્સ ટેક્સ' પરની ટિપ્પણીનો પરોક્ષ રીતે ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે તેમના એક મહાન વ્યક્તિએ યુ.એસ.માં એક ઈન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેમણે તમારી મિલકત પર 55 ટકા વારસાઈ કરનો મુદ્દો ઉઠાવ્યો હતો. હું વિકાસ અને વિરાસતની વાત કરું છું અને બીજી તરફ તેઓ (કોંગ્રેસ) લૂંટની વાત કરે છે. અત્યાર સુધીનો તેમનો ઈતિહાસ માત્ર એ જ કરવાનો રહ્યો છે જે તેમણે ઢંઢેરામાં ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે મારી જવાબદારી છે કે હું દેશવાસીઓને જણાવું કે તેઓ દેશને આ દિશામાં લઈ જઈ રહ્યા છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે જવું છે કે નહીં. પરંતુ મારી જવાબદારી છે કે આ હકીકત અને મહત્વના આધારે જણાવવું જોઈએ અને તે જ હું કરી રહ્યો છું. PMએ કહ્યું- BJP લોકોની સંપત્તિ વધારવાનું કામ કરી રહી છે, પરંતુ કોંગ્રેસના રાજકુમાર (રાહુલ ગાંધી) અને તેમની બહેન (પ્રિયંકા ગાંધી વાડ્રા) બંને જાહેર કરી રહ્યા છે કે જો તેઓ સત્તામાં આવશે તો દેશનો એક્સ રે કરશે. તેઓ તમારી મિલકત, બેંક લોકર, જમીન, વાહનો, 'સ્ત્રીધન' અને મહિલાઓના ઘરેણાં, સોનું, મંગળસૂત્રનો 'એક્સ-રે' કરશે. આ લોકો દરેક ઘરમાં દરોડા પાડશે અને તમારી સંપત્તિ કબજે કરશે. તેને કબજે કર્યા પછી તેઓ તેને ફરીથી વહેંચવાની વાત કરી રહ્યા છે. તેઓ તેને તેમની મનપસંદ વોટ બેંકમાં આપવા માંગે છે.

રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ વાળા નિવદેનને પી ટી જાડેજાએ વખોડ્યુ

રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ અંગે વિવાદિત નિવેદનનો મામલે સંકલન સમિતિના સભ્ય ક્ષત્રિય આગેવાન પી ટી જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, રાહુલ ગાંધીનું નિવેદન વખોડવા લાયક છે, રાજા રજવાડાઓ એ તો આપ્યું છે,કોઈનું છીનવ્યું નથી, પરંતુ અમારો મુદ્દો અત્યારે રૂપાલાના વિરોધનો જ છે, રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર નિવેદન કર્યું છે,અમારી લડાઈ નારી અસ્મિતાની છે,જે ચાલુ રહેશે. રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓ અંગે નિવેદન આપ્યું છે,જે અગાઉ પણ અનેક લોકો આપી ચૂક્યા છે, ક્ષત્રિય સમાજનો ઉદ્દેશ ગુજરાતની 26 સીટ પર ભાજપના ઉમેદવાર વિરુધ્ધ મતદાન કરાવવું તે જ રહેશે, રૂપાલાના નિવેદન વખતે હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓ કેમ ટ્વીટ નહોતા કરતા, ભાજપનો વિરોધ ચાલુ જ રહેશે કારણ કે રૂપાલાએ નારીઓનું અપમાન કર્યું છે.


ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલા પત્ર લખી ક્ષત્રિય સમાજને શું કરી અપીલ

પ્રદીપસિંહ વાઘેલાના જય માતાજી. ગુજરાતની વર્તમાન સ્થિતિને ધ્યાને લઇ આપ સૌને વિનમ્નતાપૂર્વક આ પત્ર લખી રહ્યો છું. ક્ષત્રિય સમાજ હંમેશા શૌર્ય, ત્યાગ અને બલિદાનની ભાવના માટે ઇતિહાસમાં અમર સ્થાન ધરાવે છે. જયારે-જયારે આ દેશને માથે કોઈ આફત આવી છે ત્યારે ભારતમાતાને અખંડિત રાખવા, મા- ભોમની રક્ષા માટે આપણા સમાજે સર્વોચ્ચ બલિદાન આપ્યા છે.


પ્રદીપસિંહ વાઘેલાનો પત્ર

દેશના PMએ સંસદમાં રાજાઓનું અપમાન કર્યુ છેઃ શક્તિસિંહ

દેશના PMએ સંસદમાં રાજાઓનું અપમાન કર્યુ છે. શક્તિસિંહે મોબાઈલમાં વીડિયો પ્લે કરી આરોપ લગાવ્યો છે. ભાજપે ક્ષત્રિય સમાજને તોડવાનો કર્યો પ્રયાસ કર્યો છે. શક્તિસિંહે કહ્યું કે  ગુજરાતની બેનોએ રાજા-મહારાજાઓની અસ્મિતાની લડાઈ લડી છે. તમામ સમાજ એક થઈને રાજા-રજવાડાઓની અસ્મિતા માટે લડાઈ લડી રહ્યાં છે. ભાજપને ગામેગામ વિરોધનો સામનો કરવાનો પડી રહ્યો છે.


રાહુલ ગાંધીના નિવેદન પર શક્તિસિંહ ગોહિલે શું કહ્યું

રાહુલ ગાંધીના નિવેદન પર શક્તિસિંહ ગોહિલે  પ્રતિક્રિયા આપી છે. ભાજપ રાજપૂતોમાં ભાગલા પડાવવા માગે છે.રૂપાલાને ભાજપ નહિ હટાવીને અહંકાર દાખવે છે. શક્તિસિંહે  કહ્યું કે,ભાજપ વિકૃત રીતે વાતોને રજુ કરે છે.


રાહુલના નિવેદન પર ક્ષત્રિય સમાજે આપી મોટી પ્રતિક્રિયા

રાહુલના નિવેદન પર રાજકોટના ક્ષત્રિય સમાજે  પ્રતિક્રિયા  આપતા કહ્યું કે,અમારો વિરોધ ફક્ત રૂપાલાની સામે છે. જેને ક્ષત્રિય સમાજના મહિલનું અપમાન કર્યું છે. સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. તો નયનાબાએ રાહુલના વીડિયોએ એડિટેડ ગણાવ્યો હતો,સંઘવીએ પોસ્ટ કરેલા વીડિયોને નયનાબાએ એડિટેડ ગણાવ્યો છે અને કહ્યું કે, સંઘવી અને ભાજપ ભરમાવવાનું બંધ કરે છે.  


રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી કરશે સ્કૂટર રેલી

આજે રાજકોટના પાટીદાર વિસ્તારમાંથી સ્કૂટર રેલી નીકળશે. જેમાં  કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાશે.આગવા અંદાજમાં પરેશ ધાનાણી પ્રચંડ પ્રચાર કરશે. રાજકોટના હરિધવા રોડથી, અટીકા ફાટક વિસ્તાર,ઢેબર રોડ, ગોંડલ રોડ,પી.ડી માલવયા વિસ્તાર સ્વામિનારાયણ ચોક,માયાણી ચોક સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીમાં આ વિસ્તારમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો જોડાશે.પરેશ ધાનાણી ઉપરાંત શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી, યુવક કોંગ્રેસના આગેવાનો અને એનએસયુઆઈના આગેવાનો જોડાશે.


બ્રેકગ્રાઉન્ડ

Lok Sabha Election 2024 Live Updates: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, રાજ્યમાં તમામ 26 બેઠકો પર આગામી 7મી મેએ એક જ તબક્કામાં મતદાન યોજાવવાનું છે, આ પહેલા તમામ રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ઠેર ઠેર સભાઓ ગજવવાનું શરૂ કર્યુ છે. ગુજરાતમાં ભાજપની સામે ક્ષત્રિય સમાજ ઉગ્રતાથી વિરોધ કરી રહ્યો છે, સાથે સાથે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાનો સંકલ્પ પણ લેવડાવાઇ રહ્યો છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.