નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા સીટ ઉપરાંત કેરળની વાયનાડ સીટથી પણ ચૂંટણી લડવા જઈ રહ્યા છે. વાયનાડથી રાહુલ ગાંધી વિરૂદ્ધ ત્રણ ‘ગાંધી’ પણ ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા છે. જેમાં એકનું નામ રાહુલ ગાંધી જ છે. વાયનાડ સીટની સાથે સાથે કેરળની તમામ 20 સીટ પર 23 એપ્રિલના રોજ મતદાન થશે.

નોંધનયી છે કે, આ સીટ પર નામ પરત ખેંચવાની અંતિમ તારીખ 8 એપ્રિલ છે. રાહુલ ગાંધીની સામે મેદાનમાં ઉતરેલ ત્રણ અમેદવાર કે ઈ રાહુલ ગાંધી, કે રાધુલ ગાંધી અને કે એમ શિવપ્રસાદ ગાંધી છે. આમાંથી બે ઉમેદવાર અપક્ષ ચૂંટણી લડવાની તૈયારીમાં છે. 33 વર્ષના કે ઈ રાહુલ ગાંધી કોટ્ટાયમના નિવાસી છે. જ્યારે અગિલા ઇન્ડિયા મક્કલ કઝગમ પાર્ટીના ઉમેદવાર કે રાધુલ ગાંધી કોયમ્બતૂરના રહેવાસી છે. ત્રિશૂર નિવાસી કે એમ શિવપ્રસાદ ગાંધી પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની તૈયારીમાં છે.

ચૂંટણી પંચની પાસે રજૂ કરવામાં આવેલ સોગંદનામા અનુસાર, કે ઈ રાહુલ ગાંધી સામાજિક કાર્યકર્તા છે અને તેણે એમ ફિલની ડિગ્રી મેળવી છે. જ્યારે તેની પાસે માત્ર 5000 રૂપિયા રોકડ હાથ પર છે અને 515 રૂપિયા બેંક ખાતામાં છે. કે રાધુલ ગાંધી એક રિપોર્ટર છે અને તેની પત્ની ડેન્ટલ ટેક્નિશન છે. કે એમ શિપપ્રસાદ એક સંસ્કૃત ટીચર છે અને તેની પત્ની કોમ્પ્યૂટર ઓપરેટર છે.