નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે 59 બેઠકો પર ચૂંટણી પ્રચાર  પૂર્ણ થયો છે. આ તબક્કામાં દિલ્હી અને હરિયાણા સહિત સાત રાજ્યોની 59 લોકસભા બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં બિહારની 8, હરિયાણાની 10, ઝારખંડની 4, મધ્યપ્રદેશની 8, ઉત્તરપ્રદેશી 14, પશ્ચિમ બંગાળની 8 અને દિલ્હીની સાત લોકસભા બેઠકો પર મતદાન થશે.


વર્ષ 2014ની ચૂંટણીની વાત કરવામાં આવે તો જે 59 બેઠકો પર છઠ્ઠા તબક્કામાં મતદાન થશે તે 59 બેઠકોમાંથી ભાજપે એકલા 44 બેઠકો પર જીત મેળવી હતી. સાથે જ અપના દલ અને લોક જનશક્તિ પાર્ટીએ પણ એક-એક બેઠક પર જીત મેળવી હતી. બંને પાર્ટી એનડીએનો ભાગ હતા.

બાકીની બેઠકોની વાત કરવામાં આવે તો 8 બેઠકો તૃણમૂલ કૉંગ્રેસ, બે બેઠકો પર કૉંગ્રેસ, બે બેઠકો પર આઈએનએલડી અને એક બેઠક પર સમાજવાદી પાર્ટીએ જીત મેળવી હતી.

ભાજપે જે 44 બેઠકો પર જીત મેળવી હતી તે બેઠકો પર જીત મેળવનારા 19 સંસદ સભ્યોને પાર્ટીએ આ વખતે ટિકિટ નથી આપી. એવામાં ભાજપ ગત ચૂંટણીની જેમ આ વખતે પણ સફળતા મેળવશે કે કેમ તે સમય બતાવશે.