આ બેઠક બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એવું સૂચક નિવેદન કર્યું હતું કે, કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં સિનિયર નેતાઓને લડાવી શકે છે. ભરૂચ બેઠક પર એહમદ પટેલને ચૂંટણી લડાવવાના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવના પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.
જોકે સિનિયર નેતાઓને લોકસભાની ચૂંટણી લડાવવી કે કેમ તેનો ફેંસલો આજે મળનારી સીઈસીની મીટિંગમાં રાહુલ ગાંધી કરશે. સૂત્રો પ્રમાણે, અમદાવાદ પૂર્વની બેઠક પર મહિલાને મેદાનમાં ઉતારાય તેવી શક્યતા છે.
લોકસભાની 13 બેઠકો ઉપરાંત વિધાનસભાની ચાર બેઠકો માટે ઉમેદવારોના નામોને સ્ક્રિનિંગ કમિટીની મીટિંગમાં આખરી ઓપ અપાયો છે. હવે આજે એટલે મંગળવારે સાડા ત્રણ વાગ્યે રાહુલ ગાંધીની આગેવાનીમાં સીઈસીની મીટિંગ યોજાશે, જેમાં ઉમેદવારોના નામ પર મંજૂરીની મ્હોર લાગશે.
સૂત્રો પ્રમાણે, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિતની બેઠકો પર બેથી ત્રણ દાવેદારો હતા, જેને પગલે ભડકો થવાની ભીતિ સેવાઈ રહી છે. આ કારણસર પણ નામ જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે.