નવી દિલ્હીઃ 17મી લોકસભા માટે 11 એપ્રિલથી શરૂ થઈ રહેલા મતદાનમાં મહત્તમ વોટિંગ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાગૃતિ ફેલાવવાની અપીલ કરી છે. પીએમ મોદીએ બુધવારે વિપક્ષ નેતા સહિત ફિલ્મી હસ્તીઓ, પત્રકારો અને રમત ગમત સાથે સંકળાયેલી મોટી હસ્તીઓને ટ્વિટર પર ટેગ કરીને મતદાનમાં જાગૃતિ લાવવા અપીલ કરી હતી.

પીએમ મોદીએ તેના ટ્વિટર હેન્ડલ પરથી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોની, વર્તમાન કેપ્ટન કોહલી અને રોહિત શર્માને ટેગ કરી વોટિંગ પ્રત્યે જાગૃત્તિ ફેલાવવાની અપીલ કરી છે. દેશમાં કરોડો યુવા ધોની, કોહલી અને રોહિત શર્મા જેવા ક્રિકેટરોને તેમના આદર્શ માને છે. તેથી ક્રિકેટની આ મોટી હસ્તીઓની અપીલથી આગામી ચૂંટણીમાં યુવા વોટર્સ મોટી સંખ્યામાં મતદાન માટે આવી શકે છે.


પીએમ મોદીએ આયકોનિક ખેલાડીઓને અપીલ કરીને ટ્વિટ કર્યું કે, ક્રિકેટના મેદાન પર તમારો રેકોર્ડ શાનદાર રહ્યો છે પરંતુ હવે ભારતના 130 કરોડ લોકો આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન માટે પ્રેરિત કરવાનો સમય આવી ગયો છે. આવું થશે ત્યારે લોકતંત્રની જીત થશે.


ધોની, કોહલી, રોહિત ઉપરાંત મોદીએ અનિલ કુંબલે, સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, વીવીએસ લક્ષ્મણને પણ મતદારોને પ્રેરિત કરવા માટે પીએમ મોદીએ ટ્વિટ કરીને ટેગ કર્યા હતા.