નવી દિલ્હીઃ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર હવે બીજેપીમાં સામેલ થઈ ગયા છે. માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના આરોપી રહેલા સાધ્વી પ્રજ્ઞાએ બુધવારે બીજેપીનું પ્રાથમિક સભ્યપદ લઈ લીધું છે. બીજેપી તેમને ભોપાલ લોકસભા સીટથી દિગ્વિજય સિંહની વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ સાધ્વી પ્રજ્ઞાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, હું બીજેપીનું સભ્યપદ લઈ રહી છું એન હું ચૂંટણી લડીશ અને જીતીશ.


સાધ્વી પ્રજ્ઞાને ભોપાલથી બીજેપી ઉમેદવાર બનાવવાની અટકળો ઘણાં દિવસોથી ચાલી રહી હતી. આ દરમિયાન તેમણે આજે ભોપાલ સ્થિત બીજેપી કાર્યાલય પહોંચીને શિવરાજ સિંહ ચૌહાન સાથે મુલાકાત કરી હતી.


ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપી બનાવ્યા બાદ સમાચારોમાં આવેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પોતાના નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહે છે. જોકે, તે કેસમાં દોષમુક્ત થયા બાદ તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પોતાના જોરદાર નિવેદનોથી હંમેશા કોંગ્રેસને નિશાન પર લેતા રહ્યા છે. સાધ્વી પ્રજ્ઞાનું એબીવીપી અને દુર્ગા વાહિની સાથે સંપર્ક રહ્યો છે.


સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે વર્ષ 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ 9 વર્ષ સુધી જેલમાં રહ્યા. સાધ્વી પ્રજ્ઞાએ આરોપ લગાવ્યો કે તત્કાલીન ગૃહ મંત્રી પી. ચિદમ્બરમે 'હિન્દુ આતંકવાદ'નો જુમલો ઘઢ્યો અને આ નેરેટિવને સેટ કરવા માટે તેમને ખોટા કેસમાં ફસાવ્યા હતા.