નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ની તારીખો જાહેર થઈ ગઈ છે અને દરેક પક્ષો મોટી સંખ્યામાં મતદારો વોટિંગ કરે તેમ ઈચ્છે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાઓનો વોટિંગ માટે પ્રેરિત કરવા માટે ટ્વિટર પર અપીલ કરી હતી. પીએમ મોદી સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય રહે છે અને તેમણે યુવા મતદારોને વોટિંગની અપીલ કરવાની સાથે સલમાન ખાન, આમીર ખાન, દીપિકા પાદૂકોણ, આલિયા ભટ્ટ સહિત બોલીવુડ સેલિબ્રિટીને ટેગ કર્યા હતા.


મોદીએ ટ્વિટર પર યુવાઓને અપીલ કરતાં લખ્યું કે, વોટિંગ માત્ર અધિકાર નથી પરંતુ કર્તવ્ય છે. ડિયર સલમાન ખાન અને આમિર ખાન આ સમય યુવાઓનો વોટ દેવા માટે તમારા અંદાજમાં મોટિવેટ કરવાનો છે. જેથી કરીને આપણે લોકતંત્ર તથા દેશને મજબૂત કરી શકીએ.


પીએમ મોદીના ટ્વિટ પર આમિર ખાને રિપ્લાઇ આપ્યો હતો. આમિર ખાને લખ્યું કે, એકદમ સાચું સર, માનનીય પ્રધાનમંત્રી, વિશ્વના સૌથી મોટા લોકતંત્રના નાગરિક હોવાના કારણે આપણે બધાએ તેમાં સામેલ થવું જોઇએ. આવો આપણી જવાબદારી નીભાવીએ અને આપણા અવાજને બુલંદ કરીએ.