કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહના રૉડ શૉમાં હિંસા પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાનુ નિવેદન આપ્યુ છે. મમતાએ બીજેપી પર બહારથી ગુંડાઓ લાવીને તોફાનો કરાવવાનો આરોપ લગાવ્યો છે.



મમતાએ બીજેપી પર તોફાનો કરાવવાનો આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું કે, 'વિદ્યાર્થીઓ પર હુમલો થયો છે, હું આટલા વર્ષોથી કોલકત્તામાં છું. મેં એ શહેરમાં આવુ તોફાન ક્યારેય નથી જોયુ. બિહાર, રાજસ્થાનથી કેટલાક ગુંડાઓ લાવવામાં આવ્યા છે. ત્યાંના બધા લોકો ગુંડા નથી પણ જે ગુંડા છે તેમને લાવવામાં આવ્યા છે. ખુબ જ દર્દનાક ઘટના છે, નેતાઓ ભાગી ગયા અને ગુંડાઓને કહ્યું કે તોફાનો કરો.'


ઉલ્લેખનીય છે કે, કોલકત્તામાં ગઇકાલે અમિત શાહના રૉડ શૉ દરમિયાન શાહના ટ્રક પર લાઠીઓ વરસાવવામાં આવી, જેને લઇને હિંસા ફાટી નીકળી હતી, બાદમાં તોફાનો શરૂ થઇ ગયા, અને પોલીસે લાઠીચાર્જ કરી દીધો. આ ઘટના બાદ બીજેપી અને ટીએમસી વચ્ચે વિવાદ થઇ ગયો હતો.