નવી દિલ્હીઃ 17મી લોકસભા ચૂંટણીમાં ચોંકાવનારા પરિણામ ગુરુવારે સામે આવ્યા. ભાજપને ઐતિહાસીક જીત મળી. જોકે, જાલંધરના એક કાઉન્ટિંગ સેન્ટરમાં ચર્ચા માત્ર ભાજપની જીતની જ નહીં, પંરુત એક અન્ય વ્યક્તિની પણ હતી. શટર બનાવવાનો બિઝનેસ કરનાર નીતૂ શટરવાળો આંસુઓ સાથે કાઉન્ટિંગ સેન્ટરમાંથી બહાર નીકલ્યો હતો. તેનું કારણ માત્ર ચૂંટણી હાર જ ન હતું.




ભાંગી ગયેલ નીતૂએ કહ્યું, ‘મારા પરિવારમાં 9 લોકો છે, પરંતુ મને માત્ર 5 મત મળ્યા છે અને આ મારા માટે આશ્ચર્યની વાત છે. મારી આખી ગલીએ મને મત આપવાનું વચન આપ્યું હતું, પરંતુ માત્ર પાંચ મત મળ્યા. હું એક મહિનો મારી દુકાનથી દૂર રહ્યો અને લોકોની વચ્ચે કામ કર્યું, પરંતુ તેમણે મને મત ન આપ્યા. હારથી નિરાશ થઈને નીતૂએ હવે પછી કોઈ ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.

નીતૂ કાઉન્ટિંગ સેન્ટરમાં જ રડી પડ્યા અને તેની વાતો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી. જોત જોતામાં તેનો વીડિયો લાખો લોકો જોઈ ચૂક્યા હતા. જોકે બાદમાં જાણવા મળ્યું કે, નીતૂએ હાર પહેલા જ માની લીધી હતી. દિવસ પૂરો થયો ત્યાં સુધીમાં તેને 856 મત મળ્યા હતા. નીતૂ આ પહેલા ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેણે એક મોબાઈલ ફોનને નકલી બોમ્બ સાથે જોડી દીધો હતો, તેની પોલીસે ધરપકડ કરી હતી. ત્યાર બાદ મીડિયામાં મળેલ પ્રતિક્રિયા બાદ લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો.