વારાણસીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 26 એપ્રિલે વારાણસીથી સતત બીજી વખત ઉમેદવારીપત્ર ભર્યું છે. આ દરમિયાન દાખલ કરેલ સોગંદનામામાં પીએમ મોદીએ પોતાની આવક અને અન્ય બાબતો વિશે જાણકારી આપી છે. ચૂંટણી સોગંદનામામાં આપેલી જાણકારી પ્રમાણે છેલ્લા 5 વર્ષોમાં પીએમ મોદીની આવક ડબલ કરતા વધારે વધી છે.


મોદીએ પોતાની કુલ સંપત્તિ 2.5 કરોડ રૂપિયા જણાવી છે. પીએમની સંપત્તિમાં ગુજરાતનાં ગાંધીનગરમાં એક પ્લૉટ, 1.27 કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડીપૉઝિટ અને 38,750 રૂપિયા રોકડ છે. સોગંદનામામાં પીએમ મોદીએ જશોદાબેનને પોતાના પત્ની ગણાવ્યા છે.



પીએમ મોદીએ એ વાતની જાહેરાત કરી છે કે તેમણે 1983માં ગુજરાત યૂનિવર્સિટીમાંથી MAની ડિગ્રી મેળવી હતી. સોગંદનામા પ્રમાણે તેઓ દિલ્હી વિશ્વવિદ્યાલય (1978)થી આર્ટ્સ ગ્રેજ્યુટ છે. તેમણે 1967માં ગુજરાત બૉર્ડથી SSC પરીક્ષા પાસ કરી હતી. પીએમ મોદીએ પોતાની ચલ સંપત્તિ 1.41 કરોડ અને અચલ સંપત્તિની કિંમત 1.1 કરોડ રૂપિયા જણાવી છે. એટલું જ નહીં, પ્રધનામંત્રીએ ટેક્સ સેવિંગ ઇન્ફ્રા બૉન્ડ્સમાં 20,000 રૂપિયાનું રોકાણ કર્યું છે. આ ઉપરાંત તેમણે નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં 7.61 લાખ રૂપિયા અને LIC પૉલિસિઝમાં 1.9 લાખ રૂપિયા લગાવ્યા છે.

પીએમ મોદીનાં બેંક ખાતામાં 4,143 રૂપિયા બેલેન્સ છે. સોગંદનામા પ્રમાણે પ્રધાનમંત્રી પાસે 4 સોનાની વીંટીઓ છે, જેનું વજન 45 ગ્રામ અને કિંમત 1.13 લાખ રૂપિયા છે. આવકનાં સ્ત્રોતમાં પીએમ મોદીએ ‘સરકારી સેલેરી’ અને ‘બેંક વ્યાજ’નો ઉલ્લેખ કર્યો છે.