નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા નવજોત સિંહ સિદ્ધુએ મંગળવારે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રશંસા કરતા તેમને મેન ઓફ ધ સીરિઝ ગણાવ્યા હતા. તેણે કહ્યું કે, ત્રણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના સારા પ્રદર્શને 2019માં થનારી લોકસભા ચૂંટણીમાં મોટી જીત માટેની આધારશિલા પણ રાખી છે.


ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા સિદ્ધુએ કહ્યું કે, પાર્ટીના તમામ સભ્યો ને કાર્યકર્તાઓએ એક ટીમ તરીકે સારું પ્રદર્શન કર્યું. જેના પરિણામે કોંગ્રેસનું આ શ્રેષ્ઠ પ્રદર્શન સામે આવ્યું છે. ભાજપની હારે પાર્ટીનો અસલી ચહેરો ઉઘાડો પાડી દીધો છે. લોકોનો ગુસ્સો નીકળીને બહાર આવ્યો છે. મોટા અને ખોટા વાયદા કરવામાં આવ્યા અને તેને પૂરા ન કરવામાં આવ્યા.

કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે, આ સમર્થનનું ઘોડાપૂર છે અને લોકોએ રાહુલ ગાંધીને આગામી વડાપ્રધાન બનાવવાની આધારશિલા રાખી દીધી છે. તેનાથી સંકેત મળ્યો છે કે લોકો બદલાવ ઈચ્છે છે અને બીજેપીથી નારાજ છે.

સિદ્ધુ દિલ્હીમાં કોંગ્રેસના 24, અકબર રોડ પર આવેલા હેડ ક્વાર્ટરમાં કોંગ્રેસના પ્રદર્શનનો જશ્ન મનાવવા માટે કાર્યકર્તાઓ સાથે સામેલ થયા હતા.