જામનગર:  દેશની ક્રિકેટ ટીમમાં રમતા અને જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં મોટા બહેન નયનાબા તથા પિતા અનિરૂદ્ધસિંહ જાડેજા કોંગ્રેસમાં જોડાયા છે. આજે એક સમારંભમાં તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા ભાજપમાં જોડાયા હતા.



આજે જામનગરના કાલાવાડ ખાતે લોકસભાનાં ઉમેદવાર મૂળુ કંડોરિયાનાં સમર્થનમાં યોજાયેલ સભામાં નયનાબા અને અનિરૂદ્ધસિંહ જાડેજા હાજર રહ્યાં હતાં. જ્યાં તેમને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. આ દરમિયાન હાર્દિક પટેલ સહિત કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

આમ જાણીતા એવા જાડેજા પરિવારમાં જ બે ફાંટા જોવા મળ્યા છે જેના કારણે સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જામનગર ભાજપ કાર્યાલય ખાતે મંત્રી આર.સી. ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખ હિંડોચા અને ધારાસભ્ય હકુભા જાડેજાની હાજરીમાં રિવાબાએ ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો.

રિવાબાએ જણાવ્યું હતું કે, તેઓ જનસંઘથી ભાજપ સુધીની યાત્રાની વૈચારિક પદ્ધતિથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું. કોઈ રાજકીય અપેક્ષા ન હોવાનું કહીને માત્ર કાર્યકર તરીકે જોડાઇ રહ્યા હોવાનું કહ્યું હતું.