લખનઉઃ બહુજન સમાજ પાર્ટીએ લોકસભા ચૂંટણી 2019 માટે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. ઉત્તર પ્રદેશની 16 લોકસભા ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલી નવી યાદીમાં આંબેડકરનગર લોકસભા બેઠક પરથી રિતેશ પાંડેનું નામ જાહેર કરવામાં આવ્યું છે. રિતેશ પાંડે ગયા વર્ષે દિલ્હીની એક જાણીતી હોટલમાં ગન લહેરાવનારા આશીષ પાંડેનો ભાઇ છે. રિતેશ પાંડે હાલમાં ધારાસભ્ય છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં રિતેશ પાંડે આંબેડકરનગરની જલાલપુર વિધાનસભા બેઠક પરથી બસપાની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા બાદમાં હવે પાર્ટીએ તેમને લોકસભા ચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય લીધો છે.

આ અગાઉ રિતેશ પાંડે ઓક્ટોબર 2018માં ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેમના ભાઇ આશીષ પાંડેએ દિલ્હીમાં એક હોટલમાં એક વ્યક્તિને ગન બતાવી ધમકી આપી હતી. આ ઘટના બાદ આશીષ પાંડે પિસ્ટલ પાંડેના રૂપમાં જાણીતો થયો હતો. રિતેશ પાંડે પણ પોતાના ભાઇના બચાવમાં ઉતર્યો હતો. તેણે મીડિયા પર ઘટનાને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો હતો. રાજકારણમાં રિતેશ પાંડે અને તેમના પરિવારનું મોટુ નામ છે. તેમના પિતા રાકેશ પાંડે બસપાની ટિકિટ પર સાંસદ રહ્યા છે.

બસપાએ અફઝાલ અંસારીને ગાજીપુર લોકસભા બેઠક પરથી ટિકિટ આપી છે. અફઝાલ અંસારી બાહુબલી મુખ્તાર અંસારીના મોટા ભાઇ છે. તે 2004માં ગાજીપુર બેઠક પરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર જીતીને સંસદ પહોંચ્યા હતા. ત્યારબાદ અફઝાલ અંસારીએ 2009માં બસપાની ટિકિટ પર ભાગ્ય અજમાવ્યો હતો પરંતુ સપા સામે હારી ગયા હતા. હવે બસપાએ એકવાર ફરી અફઝાલ અંસારીને ગાજીપુરથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે.