મુંબઈઃ લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ પર મીમ બનાવીને બોલીવુડ એક્ટર વિવેક ઓબેરોય ફસાઇ ગયો છે. વિવેક ઓબેરોયે સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચની તસવીરવાળું મીમ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. જેને લઈ રાષ્ટ્રીય મહિલા આયોગે તેને નોટિસ ફટકારી છે. તો NCPએ આકરા પગલાં લઇને ધરપકડ કરવાની માંગ કરી છે. વિવેકે જે મીમ શેર કર્યો છે તેના પર લોકો આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે.



ટ્વિટમાં વિવેકની તેના સહિત 4 અન્ય લોકોની અંગત જિંદગીને મજાક બનાવવા માટે ટ્રોલ પણ કરવામાં આવી રહ્યો છે. એનસીપીએ વિવેકના ટ્વિટ પર સવાલ ઉઠાવતાં લખ્યું કે, પદ્મશ્રીથી સન્માનિત વ્યક્તિ આવી ભાષાનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે. રાષ્ટ્રીય અને રાજ્ય મહિલા કમીશન શું કરી રહ્યું છે.


NCWની અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું, વિવેક ઓબેરોય સોશિયલ મીડિયા પર સંબંધિત લોકો સાથે વ્યક્તિગત રીતે માફી માંગે તેમ અમે ઈચ્છીએ છીએ. જો તે આમ નહીં કરે તો અમે શું કાનૂની પગલા ભરી શકાય તે અંગે વિચારીશું.

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે વિવેક ઓબેરોયને આડે હાથ લીધો હતો. તેણે વિવેકના ટ્વિટને બકવાસ ગણાવ્યું હતું.


વિવેકે જે મીમ શેર કર્યું છે તેની પ્રથમ તસવીરમાં સલમાન અને ઐશ્વર્યા રાય જોવા મળી રહ્યા છે. જેના પર ‘ઓપિનિયન પોલ’ લખવામાં આવ્યું છે. બીજી તસવીરમાં ઐશ્વર્યા રાયની સાથે વિવેક ઓબેરોય નજરે પડે છે, જેના પર ‘એક્ઝિટ પોલ’ લખેલું છે. ત્રીજી તસવીરમાં ઐશ્વર્યા તેના પતિ અભિષેક અને પુત્રી આરાધ્યા સાથે જોવા મળે છે, જેના પર ‘રિઝલ્ટ’ લખેલું છે.

આજે સવારે નીતિન ગડકરીએ વિવેક ઓબેરોયની PM મોદી પર આધારિત બાયોપિકનું નવું પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ અવસરે વિવેકે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે, પાંચ વર્ષમાં ભારત ઘણું બદલાયું છે. મને લાગે છે કે હવે તમારા બાપનું નામ નહીં....કામ બોલશે.