બાબાસાહેબ આંબેડકરની અવગણના કોંગ્રેસ જેટલી કોઇ પણ પાર્ટીએ નથી કરીઃ PM મોદી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Apr 2019 09:42 PM (IST)
જમુઈ: બિહારના જમુઈમાં પ્રધાનમંત્રી મોદીએ એક જંગી જનસભાને સંબોધન કર્યું હતું. જમુઈ લોકસભા બેઠક પરથી એલજેપીના ઉમેદવાર ચિરાગ પાસવાનના પક્ષમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કૉંગ્રેસ પર આરોપ લગાવ્યો કે બાબા સાહેબનું કૉંગ્રેસે જેટલું અપમાન કર્યું છે, તેટલું કોઈ અન્ય પક્ષે નથી કર્યું. તેમણે એ પણ દાવો કર્યો કે તેમના પ્રતિસ્પર્ધીઓ ખોટુ બોલી રહ્યા છે કે જો ભાજપ સત્તામાં આવશે તો પછાત વર્ગોનું અનામત ખતમ કરી નાખશે. પીએમ મોદીએ કૉંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું, કૉંગ્રેસ સત્તામાં આવતા મોંઘવારી વધી જાય છે. દેશમાં આતંકી પ્રવૃતિ અને હિંસા વધી જાય છે. ભ્રષ્ટાચાર પણ વધવા લાગે છે. બિહારમાં ગઠબંધન પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, ગઠબંધનની પાર્ટી રિવર્સ ગિયરવાળી પાર્ટી છે. પીએમ મોદીએ કહ્યું, સેનાના જવાનોને પરેશાન કરવાનો પ્રયાસ કૉંગ્રેસ શોધી રહી છે. આતંકવાદ હોય કે નક્સલવાદ હોય અમારી નીતિ સાફ છે. રેલીને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું, ગઠબંધનના નેતાઓ દેશ કરતા પાકિસ્તાનના પ્રવક્તા વધારે લાગે છે. યૂપીએના છેલ્લા પાંચ વર્ષમાં જેટલા યુવાનો નક્સલવાદના રસ્તે ગયા એટલા અમારી સરકારમાં પાછા ફર્યા છે.