અમદાવાદઃ લોકસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસની વેબસાઈટ હેક કરી હાર્દિક પટેલનો કથિત જુનો વીડિયો વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયો વિધાનસભા 2017 ચૂંટણીના થોડા સમય પહેલા નવેમ્બર મહિનામાં વાઈરલ થયો હતો.




ભાજપના પ્રવક્તા તજીંદરપાલસિંઘ બગ્ગાએ સ્ક્રિન શોટ ટ્વિટ કરીને રાહુલ ગાંધીને સવાલ કર્યો છે કે તમે આવા લોકોને પ્રમોટ કરી મત માંગશો? ત્યાર બાદ સોશિયલ મીડિયામાં આ સ્ક્રિન શોર્ટ વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે, 12 મેના રોજ હાર્દિક પટેલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.


ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ અનેક વખત કોંગ્રેસની વેબસાઈટ હેક થઈ ચૂકી છે. એક મહિના પહેલા ગુજરાત કોંગ્રેસની જ વેબસાઈટ પર કોંગ્રેસની બદનામી કરતું લખાણ તેમજ અધ્યક્ષ રાહુલ ગાંધી વિષે ખોટું લખાણ લખવામાં આવ્યું હતું. કોંગ્રેસે વેબસાઈટને બંધ કરી તપાસ હાથ ધરી છે.