પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને કહ્યું- ભારતમાં બીજેપીની સરકાર આવશે તો થશે ફાયદો, આ મુદ્દાઓ થશે હલ
abpasmita.in | 10 Apr 2019 09:35 AM (IST)
જમ્મુ-કાશ્મીના પુલવામામાં થયેલા એટેકની પ્રતિક્રિયા આપીને મોદી સરકારે બીજેપીના પક્ષમાં દેશભક્તિની લહેર ઉભી કરી દીધી છે, જેનો ફાયદો લોકસભા ચૂંટણીમાં બીજેપીની મળી શકે છે
નવી દિલ્હીઃ ભારતનો કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાન હવે નવા સૂરે રેલાવવા માંડ્યો છે. ભારતમાં લોકસભાની ચૂંટણીને લઇને પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને મોટુ નિવેદન આપ્યુ છે. ઇમરાનના મતે ભારતમાં બીજેપીની સરકારથી બન્ને દેશોને ફાયદો થવાની વાત કહી છે. પાકિસ્તાનમાં પત્રકારો સાથેની વાતચીતમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, ‘’જો ભારતમાં ફરીવાર બીજેપીની સરકાર આવશે તો ફાયદો થશે, જો કોંગ્રેસની સરકાર આવશે તો કાશ્મીરને લઇને પાકિસ્તાન સાથે કરાર કરવાથી ડરશે. પણ જો બીજેપીની સરકાર આવી તો આ મુદ્દે કોઇ હલ જરૂર નીકળી શકે છે.’’ એટલુ જ નહીં ઇમરાન ખાને વડાપ્રધાન મોદીની સરખામણી ઇઝરાયેલના પીએમ બેન્ઝામિન નેતન્યાહૂ સાથે કરી, તેમને કહ્યું કે, મોદી નેતન્યાહૂની જેમ ભય અને રાષ્ટ્રવાદના નામે ભારતમાં ચૂંટણી લડી રહ્યાં છે. વધુમાં કહ્યું કે, જમ્મુ-કાશ્મીના પુલવામામાં થયેલા એટેકની પ્રતિક્રિયા આપીને મોદી સરકારે બીજેપીના પક્ષમાં દેશભક્તિની લહેર ઉભી કરી દીધી છે, જેનો ફાયદો લોકસભા ચૂંટણીમાં બીજેપીની મળી શકે છે.