Panchmahal Lok Sabha Seat: લોકસભાનું આજે ત્રીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. ગુજરાતની 25 બેઠકો પર પણ વોટિંગ થઈ રહ્યું છે. આ દરમિયાન પંચમહાલના ગોધરામાં લગ્ન મંડપ છોડી વરરાજા મતદાન મથક પહોંચ્યા હતા. પીઠીની રસમ સાથે મતાધિકારની ફરજ નિભાવી હતી. લગ્ન વિધી અધૂરી મુકી કાળઝાળ ગરમી વચ્ચે ઓટો રિક્ષામાં સવાર થઇ વરરાજા મતદાન મથકે પહોંચ્યા અને મતદાન કર્યું હતું. ગોધરાના સ્મશાન રોડ વિસ્તારના ધવલ સોલંકી નામના યુવા વર રાજા પોતાના પરિવાર અને મિત્રો સાથે મતદાન મથક પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું.


રાજકોટમાં 107 વર્ષના દાદીએ મતદાન કરી પ્રેરણા પૂરી પાડી


રાજકોટ દક્ષિણમાં ૧૦૭ વર્ષની ઉંમરે લાભુબેન નાનજીભાઇ તેરૈયા નામના વૃદ્ધાએ લાકડીના ટેકે પહોંચીને મતદાન કર્યું હતું. પોતે શરીરથી અશક્ત હોવા છતાં બા એ મતદાન કરી સમાજને પ્રેરણા પૂરી પાડી હતી.




આ વખતે, એપ્રિલમાં ઉનાળાની સિઝનની શરૂઆતથી, ભારતમાં હીટવેવની શરૂઆત થઈ છે. સાત તબક્કાની ચૂંટણીના મહત્વના તબક્કા હવે શરૂ થઈ રહ્યા છે. ચૂંટણીનો ઉત્સાહ વધવાની સાથે મોસમી ગરમી પણ વધી રહી છે. આ ચૂંટણી પ્રક્રિયા પર ભારે ગરમીની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. પ્રથમ બે તબક્કામાં ઓછા મતદાને પંચની સાથે પક્ષોને પણ ચિંતામાં મૂક્યા છે. એવામાં પ્રશ્ન થાય કે શું ચૂંટણી પંચ પાસે વર્ષમાં વધુ સારી સિઝનમાં ચૂંટણી કરાવવાની કોઈ જોગવાઈ છે. છેલ્લા 15 વર્ષના રેકોર્ડ જોવામાં આવે તો એપ્રિલ 2024માં હીટવેવનું પ્રમાણ સૌથી વધુ હતું. છેલ્લા 15 વર્ષમાં એપ્રિલ 2024માં 18 દિવસની હીટવેવની બીજી સૌથી લાંબી અવધિ હતી. અગાઉ વર્ષ 2016માં હીટવેવ 21 દિવસ સુધી ચાલ્યું હતું. પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાન 22.19 ડિગ્રી સેલ્સિયસ 1901 પછી સૌથી વધુ હતું. મેં મહિનામાં ઉનાળો પ્રવેશતાની સાથે જ દક્ષિણ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, મરાઠવાડા અને ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ તાપમાન જોવા મળી શકે છે. બાકીના રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢના કેટલાક વિસ્તારો, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઉત્તર કર્ણાટક અને તેલંગાણાની સાથે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ મે મહિનામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં પણ અમુક દિવસ માટે ઊંચું તાપમાન જોવા મળે છે.