PM Modi Oath: આજે પીએમ મોદી દેશના વડાપ્રધાન તરીકે ત્રીજીવાર શપથ લેશે, આજે સાંજે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં આ શપથ ગ્રહણ સમારોહ યોજાઇ રહ્યો છે. જોકે, આ પહેલા આજે સવારથી જ ભાજપ અને તેના સહયોગી દળોના કેટલાક નેતાઓને ફોન આવી રહ્યાં છે. આ નેતાઓને આજે સાંજે દિલ્હીમાં બોલાવવામાં આવ્યા છે. હાલમાં જ તાજા રિપોર્ટ મળી રહ્યાં છે કે, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પણ ફોન આવ્યો છે અને પીએમ આવાસ માટે રવાના થયા છે. સુત્રો અનુસાર, સીઆર પાટીલને મંત્રી બનાવવા માટે ફોન આવ્યો હોઇ શકે છે. હવે જોવાનું એ છે કે, મોદી સરકારમાં આ વખતે ગુજરાતમાંથી કેટલાક સાંસદ મંત્રી બની શકે છે.
તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાંથી ત્રણથી ચાર સાંસદ મંત્રી બની શકે છે. અમિત શાહ, મનસુખ માંડવિયા અને સીઆર પાટીલનું નામ મંત્રી પદ માટે ચર્ચામાં છે. આ વખતે મોદી સરકારમાં સી.આર.પાટીલનું મંત્રી બનવાનું લગભગ નક્કી છે. આજે સવારે જ સી.આર.પાટીલને શપથ માટે ફોન આવ્યો અને બાદમાં પીએમ આવાસ જવા રવાના થયા હતા. આ પહેલા મનસુખ માંડવીયાને પણ શપથ માટે ફોન આવ્યો હતો.
જાણો કોણ છે સીઆર પાટીલ ?
સીઆર પાટીલ, - જેમનું પુરુ નામ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ છે, અને હાલમાં નવસારી લોકસભા બેઠકના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ છે. લોકસભા ચૂંટણીમાં ગુજરાતની ઐતિહાસિક જીતનો શ્રેય તેમને જાય છે. જાણો તેમના વિશે....
ગુજરાત પોલીસમાં 14 વર્ષથી કોન્સ્ટેબલ
મહારાષ્ટ્રના જલગાંવમાં 1955માં જન્મેલા સીઆર પાટીલ ભાજપમાં જોડાતા પહેલા ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતા હતા. ભાજપમાં જોડાતા પહેલા તેઓ એક સહકારી બેંક પણ ચલાવતા હતા. પાટીલે ગુજરાત પોલીસમાં 14 વર્ષ સેવા આપી અને 1989માં ભાજપમાં જોડાયા.
નવસારીમાં ચમત્કાર કર્યો
પાટીલ 2009માં નવસારીથી લોકસભાની ચૂંટણી જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. એવું માનવામાં આવે છે કે તેમના નામનો પ્રસ્તાવ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો. આ પછી તેઓ 2014માં નવસારી બેઠક પરથી પણ જીત્યા હતા અને 2019માં તેમણે સૌથી મોટી જીત હાંસલ કરવાનો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.
2020માં પ્રદેશ અધ્યક્ષની જવાબદારી મળી
ભાજપનો અભેદ્ય કિલ્લો કહેવાતા ગુજરાતમાં સીઆર પાટીલને 2020માં પ્રદેશ અધ્યક્ષ પદની કમાન સોંપવામાં આવી હતી. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની રેકોર્ડબ્રેક જીતમાં દરેક વ્યક્તિ તેમની સંગઠનાત્મક કુશળતાના ચાહક બની ગયા હતા. ગુજરાત ભાજપ પ્રમુખની જવાબદારી નિભાવી રહેલા પાટીલની ટિકિટ કપાઈ શકે તેવી અટકળો વહેતી થઈ હતી. વાસ્તવમાં ભાજપમાં એક વ્યક્તિ, એક પદનો સિદ્ધાંત લાગુ પડે છે, પરંતુ પાર્ટીએ તેમને ફરીથી ઉમેદવાર બનાવીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતું.
ગુજરાતના ભાજપના ધનિક નેતાઓમાંના એક
ગુજરાતના ભાજપના અમીર નેતાઓની યાદીમાં સીઆર પાટીલનો સમાવેશ થાય છે. સંસદની વેબસાઈટમાં તેમને ખેડૂત અને વેપારી તરીકે વર્ણવવામાં આવ્યા છે. એડીઆરના રિપોર્ટ અનુસાર પાટીલ પાસે 44.6 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. તેમની પાસે લગભગ 5.68 કરોડ રૂપિયાની લોન પણ છે. તેમની પત્નીનું નામ ગંગા પાટિલ છે. તેમને એક પુત્ર અને ત્રણ પુત્રી છે.
દેશમાં સૌથી મોટા માર્જિનથી જીતી
સીઆર પાટીલ 2019ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ મતોથી જીતવાનો રેકોર્ડ પણ ધરાવે છે. દેશમાં સૌથી વધુ વોટ જીતવાના મામલે પીએમ મોદી પણ તેમની પાછળ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં સીઆર પાટીલને 9,72,739 વોટ મળ્યા હતા. તેમણે તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને 6,89,688 મતોથી હરાવ્યા હતા.