કોલકત્તાઃ પશ્વિમ બંગાળના બશીરહાટની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમની પાર્ટી તૃણમુલ કોગ્રેસ પર પ્રહાર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ટીએમસીને વિકાસ અને લોકતંત્ર વિરોધી ગણાવી હતી. સાથે મોદીએ કહ્યું કે, બંગાળની જનતા ભાજપની સાથે છે તે ભાજપને જ મત આપશે. મુખ્યમંત્રી બેનર્જી પર હુમલો કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમામ સર્વે ભાજપને પૂર્ણ બહુમત આપી રહ્યા છે પરંતુ દીદી તમારી હતાશા અને બંગાળના લોકોનું સમર્થન જોયા બાદ હું કહી રહ્યો છું કે બંગાળ અમને 300થી વધુ બેઠકો જીતવામાં મદદ કરશે.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મમતા દીદીએ બે દિવસ અગાઉ સાર્વજનિક રીતે જાહેરાત કરી હતી કે તે બદલો લેશે. તેમણે 24 કલાકની અંદર પોતાનો એજન્ડા પુરો કર્યો, ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો પર હુમલો કર્યો હતો. મમતા બેનર્જીના મીમ મામલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, દીદી જે દીકરીઓને તમે જેલમાં નાખવાનું કામ કરી રહ્યા છો તે દીકરીઓ તમને પાઠ ભણાવશે. એક તસવીર માટે આટલો ગુસ્સો? દીદી તમે પોતે આર્ટિસ્ટ છો, તમને આગ્રહ કરીશ, તમે મારુ ખરાબમા ખરાબ ચિત્ર બનાવો અને 23 મે બાદ મારા વડાપ્રધાન પદના શપથગ્રહણ બાદ મારી જે તસવીર તમે બનાવી છે તે મને ભેટ આપજો, હું તમારા પર એફઆઇઆર નહી કરું.

નોંધનીય છે કે ભાજપના યુવા મોરચાના નેતા પ્રિયંકા શર્માને મમતા બેનર્જીના મીમ મામલામાં એક તૃણમુલ કોગ્રેસ નેતાની ફરિયાદ પર 10 મેના રોજ ધરપકડ કરી હતી. જોકે, પ્રિયંકાને આ મામલામાં કોર્ટમાંથી જામીન મળી ગયું હતું.