નવી દિલ્હીઃ એનડીએના સસંદીય દળના નેતા ચૂંટાયા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદના સેન્ટ્રલ હોલમાં બીજેપી સાંસદોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે 2019ની ચૂંટણી મારા માટે એક તીર્થયાત્રા હતી. તેમણે કહ્યું હતું કે જનપ્રતિનિધિઓ માટે કોઈ પરાયા નથી હોતા, દિલોને જીતવાનો પ્રયત્ન કરો. વિશ્વાસની લહેર જ્યારે મજબૂત હોય છે ત્યારે પ્રો-ઇન્કમબન્સીની લહેર ચાલે છે.


પીએમ મોદીએ કહ્યું હતું કે, વિનોબા ભાવે કહેતા હતા કે ચૂંટણી લોકોને અલગ પાડી દે છે, દિવાલ ઉભી કરી નાખે છે, જોકે 2019ની ચૂંટણીએ બધી દિવાલો તોડી નાખી હતી. મેં એકસમયે કહ્યું હતું કે મોદી જ મોદીનો ચેલેન્જર છે. આ વખતે મોદીએ મોદીને ચેલેન્જ કરી અને 2014ના બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા. સદનમાં મહિલાઓની સંખ્યોનો રેકોર્ડ પણ આ વખતે તૂટ્યો છે. આઝાદી બાદ આ વખતે પ્રથમ વખત સૌથી વધુ મહિલાઓ સંસદમાં બેસશે. તેમણે નવા અને જૂના સાંસદોને બડાઈ ન મારવા અને અહંકારથી બચવાની સલાહ પણ આપી છે.


પીએમ મોદીએ કહ્યું હતું કે, મને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવા બદલ બીજેપી અને એનડીએના બધા સાંસદોને ધન્યવાદ આપું છું. સેન્ટ્રલ હોલની આ ઘટના અસામાન્ય છે. આપણે આજે નવા ભારતના આપણા સંકલ્પને એક નવી ઉર્જા સાથે આગળ વધારવાના છીએ. દેશની રાજનીતિમાં જે ફેરફાર આવ્યા છે, તમે બધાએ તેનુ નેતૃત્વ કર્યું છે. તમને બધાને અભિનંદન, જે સભ્યો પ્રથમ વખત ચૂંટાઇને આવ્યા છે તેમને વિશેષ અભિનંદન.


આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપના સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ અંગેની જાહેરાત કરી હતી. બાદમાં એનડીએના સાથી પક્ષોએ પણ નરેન્દ્ર મોદીને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. આ પ્રસ્તાવનું રાજનાથ સિંહ અને નીતિન ગડકરીએ સમર્થન આપ્યું હતું. જેડીયુના નીતિશ કુમાર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, એલજેપીના રામવિલાસ પાસવાન સહિત એનડીએના તમામ નેતા બેઠકમાં હાજર રહ્યા હતા.આ દરમિયાન મોદી-મોદીના નારા લાગ્યા હતા. માનવામાં આવે છે કે, બેઠક પછી મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે.


વડાપ્રધાન મોદી  આજે રાત્રે 8 વાગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે 16મી લોકસભાને ભંગ કરવાની ભલામણ કરી હતી. જેના પર રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કર્યા હતા.

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપે લોકસભા ચૂંટણી 2019માં એકલા હાથે 303 બેઠક પર જીત હાંસલ કરી છે, જ્યારે એનડીએને 352 સીટો મળી છે. જ્યારે કોંગ્રેસને 52 સીટ મળી છે. આ દરમિયાન મોદીએ કહ્યુંકે, લોકસભા ચૂંટણીમાં પાર્ટીની પ્રચંડ જીત બાજ માતાના આશીર્વાદ લેવા રવિવારે ગુજરાત જઈશ. મોદી સોમવારે તેના સંસદીય વિસ્તાર વારાણસી પણ જશે. આ અંગે તેમણે ટ્વિટ કર્યું છે.

સુરત આગ કાંડ: એક સાથે 20 બાળકોની અર્થીઓ ઉઠતાં આખું સુરત હિબકે ચડ્યું, જુઓ તસવીરો