નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ‘મૈ ભી ચોકીદાર’ કાર્યક્રમમાં કહ્યું કે, મારા માટે દેશ અને સવા સો કરોડ ભારતીયો સૌથી પહેલા છે. મુંબઈના એક વ્યક્તિએ બાલાકોટ એર સ્ટ્રાઇકના ફેંસલાને લઇ લીધેલા રિસ્ક પર પૂછેલા સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, રાજકીય ભવિષ્યનું વિચાર્યું હોત તો મોદી ન હોત. બાલાકોટ મેં નહીં દેશના જવાનોએ કરી છે. આપણા તરફથી તેમને અભિનંદન. જ્યાં સુધી નિર્ણયનો સવાલ છે તો મોદીએ તેના રાજકીય ભવિષ્ય અંગે વિચાર્યું હોત તો મોદી ન હોત. જો રાજકીય પેંતરાબાજીથી દેશ ચલાવવાનો હોત અને નફા-નુકસાન જોડીને દેશ ચલાવવાનો હોત તો મોદીને પીએમ બનવાની કોઇ જરૂર નહોતી. મારા માટે દેશ સૌથી ઉપર છે.


પીએમ મોદીએ એમ પણ ક્હ્યું કે, મને મારી સેના પર ભરોસો છે એટલે મેં આ ફેંસલો કર્યો. મને તેમના અનુશાનસ પર ભરોસો છે એટલે તેમને મે છૂટ આપી હતી. આતંકીઓ ઉરીમાં આવ્યા અને મુંબઈમાં પણ આવ્યા, લોકોને મારીને ચાલ્યા ગયા. સેના લડી રહી છે અને આતંકીઓને જવાબ આપી રહી છે. અમે પાકિસ્તાનમાં આતંકી કેમ્પ ચાલી રહ્યા હતા તેવી જગ્યા પર હુમલો કર્યો. હવે તેમણે છુપાવવું પડે છે. પરંત દુર્ભાગ્ય છે કે આપણા દેશમાં મોદીને ગાળો આપીને ઉત્સાહી લોકો તેમના નિવેદનોથી પાકિસ્તાનને મદદ કરી રહ્યા છે.


તેમણે એમ પણ કહ્યું કે, ‘મૈં ભી ચોકીદાર’ મહાત્મા ગાંધીના ટ્રસ્ટીશિપના સિદ્ધાંત પર આધારિત છે. ભણેલા-ગણેલા, અભણ, ખેડૂતો, મજૂરો, નોકરીયાતોથી લઈ દેશના દરેક લોકો ચોકીદાર છે. દરેક વ્યક્તિ ચોકીદાર છે તો પછી ચોર ક્યાંથી બચશે ? લોકો મારી સાથે છે અને મને ખબર છે કે દેશના લોકોને રાજા-મહારાજાઓની જરૂર નથી. તેઓ ચોકીદાર પસંદ કરે છે. મને ખુશી છે કે ચોકીદારનો સતત વ્યાપ વધી રહ્યો છે. ચોકીદાર એક ભાવના છે. સમાજ માટે કામ કરનારો દરેક વ્યક્તિ ચોકીદાર છે. આ ભાવના જેટલી શક્તિશાળી હશે દેશને લૂંટવાનો કોઇ પ્રયત્ન નહીં કરી શકે. પીએમ મોદીએ કહ્યું કે, લોકોની બૌદ્ધિક મર્યાદાઓ હોય છે. તેથી તેઓ વધારે વિચારી શકતા નથી અને એવું જ વિચારે છે કે ચોકીદારનો મતલબ માત્ર ટોપી પહેરીને સીટી વગાડવી એવો છે પરંતુ હકીકતમાં ચોદીકાર હોવું એક સ્પિરિટ છે.


મિશન શક્તિને ચૂંટણી સાથે કોઇ લેવા દેવા નથી. દેશના વૈજ્ઞાનિકોએ જે કંઈ કર્યું છે, દેશનો દરેક નાગરિક તેના પર ગર્વ કરે છે. મિશન શક્તિ દ્વારા આપણા દેશના વૈજ્ઞાનિકોએ પહેલા વિશ્વના માત્ર ત્રણ દેશો પાસે જે શક્તિ હતી તે શક્તિ હાંસલ કરી છે. જ્યારે અમેરિકા, ચીન, રશિયાએ કર્યું તો આપણે મિશન શક્તિ ચૂપચાપ કરવાની કેમ જરૂર હતી. મિશન શક્તિ પર કોંગ્રેસની ટિપ્પણી પર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે, કેટલાક લોકોએ સાબુ(સામાન્ય બુદ્ધિ)નો ઉપયોગ કરવાની જરૂર છે.


મોદીએ કહ્યું કે, ચૂંટણીના ગરમાવામાં આ એક એવો અવસર છે જેની પર સૌની નજર હોવી સ્વાભાવિક છે. 2013-14માં જ્યારે લોકસભા ચૂંટણી ચાલી રહી હતી, હું દેશ માટે નવો હતો. મુખ્યત્વે મારી ટીકા કરતા લોકોએ મારા વખાણ કર્યા હતા. મેં તે લોકોનો દિલથી આભાર માન્યો છે. કારણ કે તેમના જ લીધે મારા માટે દેશને તે જાણવાની ઉત્તેજના થઈ હતી કે આ વ્યક્તિ કોણ છે.