નવી દિલ્હીઃ શનિવારે રાત્રે દિલ્હી કેપિટલ્સ અને કોલકતા નાઇટ રાઈડર્સ વચ્ચે રમાયેલી મેચમાં દિલ્હીએ સુપર ઓવરના રોમાંચક મુકાબલામાં કોલકાતાને 3 રને હરાવીને મેચ જીતી લીધી હતી. આઈપીએલ સીઝન -12 નો આ પ્રથમ સુપર ઓવર મુકાબલો હતો. મેચ બાદ ભારતના પૂર્વ કેપ્ટન અને દિલ્હી કેપિટલ્સના સલાહકાર સૌરવ ગાંગુલીએ આંદ્રે રસેલની વિકેટ લેનારા કાસિગો રબાડાના બોલને આઈપીએલનો સર્વશ્રેષ્ઠ બોલ ગણાવ્યો હતો.

સુપર ઓવરમાં કોલકાતા નાઇટ રાઇડર્સને જીત માટે માત્ર 11 રનની જરૂર હતી. કેકેઆર તરફથી શાનદાર ફોર્મમાં ચાલી રહેલા રસેલને બેટિંગમાં ઉતારવામાં આવ્યો હતો, જે રબાડાની યોર્કર બોલ પર બોલ્ડ થયો હતો.


ગાંગુલીએ કહ્યું કે, સુપર ઓવરમાં રબાડાની બોલિંગમાં આંદ્રે રસેલ જે બોલ પર બોલ્ડ થયો તેને કદાચ આઇપીએલનો સર્વશ્રેષ્ઠ બોલ હતો. રસેલને આ પ્રકારની બોલિંગ કરવી અવિશ્વસનીય છે. આ ટીમને જીતની જરૂર હતી. ગત વર્ષે ટીમનું પ્રદર્શન સારું રહ્યું નહોતું. આ એક યુવા ટીમ છે. આ પ્રકારની જીતથી આત્મવિશ્વાસ વધે છે. તેણે મમાત્ર એક રનથી સદી ચૂકી જનારા દિલ્હીના યુવા બેટ્સમેન પૃથ્વી શૉની પણ પ્રશંસા કરી હતી.