બે દિવસ પહેલાં જ પ્રિયંકા ચતુર્વેદીએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસમાં ગુંડાઓને મહત્ત્વ મળી રહ્યું છે. તેમણે ટ્વીટર પર લખ્યું હતું કે, પાર્ટીમાં એવા ગુંડાઓને મહત્વ આપવામાં આવી રહ્યું છે જે મહિલાઓની સાથે ખરાબ વર્તન કરે છે. પ્રિયંકાએ લખ્યું કે જે લોકો મહેનત કરી પોતાનું સ્થાન બનાવી રહ્યા છે, તેને બદલે ગુંડાઓને મહત્વ મળી રહ્યું છે. પાર્ટી માટે મેં ગાળો અને પથ્થરો ખાધા છે, પરંતુ તેમ છતાંય પાર્ટીના નેતાઓએ જ મને ધમકીઓ આપી. પાર્ટી પ્રવક્તાએ લખ્યું કે જે લોકો ધમકીઓ આપી રહ્યા હતા, તે બચી ગયા છે. તેમનું કોઈ કડક કાર્યવાહીથી બચી જવું દુર્ભાગ્યપૂર્ણ છે.
આપને જણાવી દઈએ કે પ્રિયંકા ચતુર્વેદીએ એક ટ્વિટને રિટ્વિટ કરતાં આ સંદેશને લખ્યો, તેની સાથે એક પત્ર પણ જોડાયેલો છે. આ પત્ર અનુસાર, ઉત્તર પ્રદેશના મથુરામાં જ્યારે પ્રિયંકા ચતુર્વેદી પાર્ટી તરફથી રાફેલ સોદા પર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે સ્થાનિક કાર્યકર્તાઓએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું. ત્યારબાદ તમામ સામે અનુશાસનાત્મક કાર્યવાહી થઈ હતી.