જૂનાગઢ: જૂનાગઢના વંથલીમાં કોંગ્રેસની વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના વંથલીમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જનસભાને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું, અમે મોદીની જેમ પોતાના જ મનની વાત નહીં કરીએ અમે તમારા મનની વાત સાંભળીશું. અમે તમારી સાથે મળી દેશને આગળ વધારવા માંગીએ છીએ. અમે બે હિંદુસ્તાન નહી બનવા દઈએ, જો અંબાણીને ન્યાય મળશે તો પછી ખેડૂતોને પણ ન્યાય મળશે.


રાહુલે કહ્યું, અમે મોદીની જેમ 15 લાખ રૂપિયાનો ખોટો વાયદો નહીં કરીએ, અમે જે વાયદા કર્યા તે પૂર્ણ કર્યા, હવે અમારી સરકાર બનશે તો અમે ગરીબી પર સર્જિકલ સ્ટ્રાઇક કરીશું. રાહુલ ગાંધીએ કહ્યું, અમે ચૂંટણી ઢંઢેરામાં જ સ્પષ્ટ લખ્યું છે કે અમારી સરકાર બનશે તો અમે દેશમાં બે બજેટ લાગુ કરીશું. જેમાં એક ખાસ બજેટ દેશના ખેડૂતો માટે હશે.
રાહુલ ગાંધીએ નોટબંધી, GST અને 15 લાખના વાયદાની વાત કરી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે નોટબંધીને કારણે મોટાપાયે રોજગાર નષ્ટ થયો છે, તો GSTને કારણે નાના વેપારીઓ બેરોજગાર થયા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે મેં મારી પાર્ટીની થિન્ક ટેન્કને એવી યોજના બનાવવાનું કહ્યું જેનાથી સીધા ગરીબોના ખાતામાં પૈસા જમા થશે. અમે NYAY યોજના બનાવી જેનાથી ગરીબોના ખાતામાં સીધા વર્ષે 72 હજાર રૂપિયા જમા થશે.