નવી દિલ્હીઃ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠીથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ રાફેલ મામલામાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે પણ માની લીધું છે કે ડિલમાં ભ્રષ્ટાચાર થયો છે. તેમણે વડાપ્રધાનને ચર્ચાનો પડકાર આપ્યો હતો. રાહુલે કહ્યું કે વડાપ્રધાન મોદી એકવાર 15 મિનિટ સુધી ચર્ચા કરી લે તો દેશ  સાથે આંખ મિલાવી શકશે નહીં. નોંધનીય છે કે રાફેલ મામલામાં સુપ્રીમ કોર્ટે સરકારના વિરોધને ફગાવી રાફેલ મામલામાં રિવ્યૂ પિટિશન પર નવા દસ્તાવેજના આધાર પર સુનાવણીનો આદેશ આપ્યો છે. તેને કેન્દ્ર સરકાર માટે ઝટકો માનવામાં આવી રહ્યો છે. રાહુલે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ હાલમાં ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રાફેલ મામલામાં તેમને ક્લિન ચીટ મળી ગઇ છે પરંતુ આજે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે.

રાહુલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે માની લીધું છે કે ચોકીદાર ચોર છે. રાફેલમાં બે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે. એક નરેન્દ્ર મોદી અને બીજા અનિલ અંબાણી. તેમણે કહ્યું કે, ચોકીદારે દેશના રૂપિયા અનિલ અંબાણીને આપી દીધા. તે મારી સાથે 15 મિનિટ માટે ભ્રષ્ટાચાર પર ચર્ચા કરી લે. હું તૈયાર છું. તે જ્યાં કહે ત્યાં ચર્ચા માટે બોલાવે. તેઓ એકવાર મારી સાથે ચર્ચા કરી લે તો દેશ સાથે આંખ મિલાવી શકશે નહીં. નોંધનીય છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની અધ્યક્ષતામાં 3 સભ્યોની બેન્ચે એક મતથી આપેલા ચુકાદામાં કહ્યું કે, રાફેલ મામલામાં જે નવા દસ્તાવેજ ડોમેનમાં આવ્યા છે તેના આધાર પર મામલામાં રિવ્યૂ પિટિશન પર સુનાવણી થશે.